આ ખાસ ચોખા હૃદય રોગનું જોખમ ઘટાડશે, ચીને વિકસાવી નવી જાત!

ચીન: વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારના ચોખા ઉગાડવામાં સફળતા મેળવી છે જે હૃદય રોગનું જોખમ ઘટાડશે. ચોખામાં એક ખાસ પ્રકારનો એન્ટીઑકિસડન્ટ Coenzyme Q10 (CoQ10) હોય છે જેનું નિયમિત સેવન માનવ હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે. કોએનઝાઇમ Q10 આપણા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે પરંતુ જેમ જેમ આપણી ઉમર વધે છે તેમ-તેમ તેનું સ્તર ઘટતું જાય છે. આ એન્ટીઑકિસડન્ટનો ઉપયોગ આપણા કોષોમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે.હૃદય રોગ ધરાવતા લોકોમાં Coenzyme Q10નું નીચું સ્તર જોવા મળ્યું છે. આ એન્ટીઑકિસડન્ટ હૃદય રોગો માટે પૂરક તરીકે લેવામાં આવે છે. કોએનઝાઇમ Q10 કુદરતી રીતે માછલી, માંસ અને બદામમાં જોવા મળે છે. ચોખા, બ્રેડ અને ઓટ્સમાં બીજા પ્રકારનો કોએનઝાઇમ હાજર હોય છે, જેને CoQ9 કહેવામાં આવે છે. જો કે, તે શરીર માટે Coenzyme Q10 જેટલું ફાયદાકારક નથી.

આ ચોખા તમને હૃદય રોગથી બચાવશે

13 ફેબ્રુઆરીના રોજ સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં, ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસ (CAS) એ જણાવ્યું હતું કે, ‘પાકમાં CoQ10નું ઉત્પાદન માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.’હૃદય રોગ અટકાવતા ચોખાનું ઉત્પાદન કરવા માટે, સંશોધકોએ સૌપ્રથમ 67 વિવિધ વનસ્પતિ પ્રજાતિઓમાંથી 134 છોડના નમૂનાઓનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન, તેઓએ જાણવાનો પ્રયાસ કર્યો કે જે છોડ વધુ CoQ9 ઉત્પન્ન કરે છે તેમના જનીનોમાં કયા પ્રકારના ફેરફારો થાય છે. આ અભ્યાસમાંથી મળેલી માહિતીનો ઉપયોગ કરીને, તેઓએ ચોખા અને ઘઉંના છોડના જનીનોમાં ફેરફાર કર્યો. જેથી તેઓ વધુ કોએનઝાઇમ Q10 ઉત્પન્ન કરે.

“જીન-એડિટેડ ચોખા અથવા ઘઉંમાં CoQ10નું પ્રમાણ ટામેટાં જેવા અન્ય વનસ્પતિ ખોરાક જેટલું જ છે,” CAS સેન્ટર ફોર એક્સેલન્સ ઇન મોલેક્યુલર પ્લાન્ટ સાયન્સ (CEMPS)ના સંશોધક અને સંશોધન પત્રના સહ-લેખક ઝુ જિંગજિંગે જણાવ્યું હતું. જો કે, તેમાં માંસ અને માછલી જેટલું CoQ10 નથી. ભવિષ્યમાં, અમે અન્ય છોડના જનીનોમાં પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરીશું.વિશ્વભરમાં વપરાતી કુલ કેલરીના પચાસ ટકા ચોખા, ઘઉં અને મકાઈમાંથી આવે છે. આમ છતાં, આ ત્રણ ખોરાક CoQ10ની આપણી દૈનિક જરૂરિયાત પૂરી કરી શકતા નથી. એક માનવી દરરોજ ૩-૬ મિલિગ્રામ CoQ10 લે છે, જો કે, 2022માં જર્નલ ઓફ ન્યુટ્રિશનલ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે માનવ શરીરને દરરોજ 500 મિલિગ્રામ CoQ10ની જરૂર હોય છે.