ચીનનો ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મધ્યસ્થતા કર્યાનો દાવોઃ ભારતનો ઇનકાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીને પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને મોટો દાવો કર્યો છે. ચીનનું કહેવું છે કે તેણે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મધ્યસ્થતા કરી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે દાવો કર્યો હતો કે આ વર્ષે ચીન દ્વારા ‘મધ્યસ્થતા’ કરાયેલા મુખ્ય સંવેદનશીલ મુદ્દાઓમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ સામેલ છે.

બીજિંગમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ચીનના વિદેશ સંબંધો પરની એક સંગોષ્ઠિમાં વાંગ યીએ કહ્યું હતું કે આ વર્ષે દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછીના કોઈ પણ સમયની તુલનામાં સ્થાનિક યુદ્ધો અને સરહદ પારના સંઘર્ષો વધુ વાર ભડક્યાં છે. ભૂ-રાજકીય ઊથલપાથલ સતત ફેલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે અમે એક નિષ્પક્ષ અને તર્કસંગત અભિગમ અપનાવ્યો છે અને લક્ષણો તેમ જ મૂળ કારણો બંનેને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.તેમણે કહ્યું હતું કે જડ બનેલા મુદ્દાઓ ઉકેલવા માટે ચીનના આ અભિગમને અનુસરતા, અમે ઉત્તર મ્યાનમાર, ઈરાનના પરમાણુ મુદ્દે, પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવમાં, પેલેસ્ટાઈન અને ઇઝરાઇલના મુદ્દે તેમ જ કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં મધ્યસ્થતા કરી છે.

ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહીં

ભારત સરકારે ચીનના આ દાવા પર વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે 7-10 મેની વચ્ચે ચાલેલા સંઘર્ષમાં 10 મેએ બંને દેશોના DGMOની વચ્ચે સીધા ફોન કોલ પછી ખતમ થયું હતું. ભારતે વૈશ્વિક મંચો પર વારંવાર દોહરાવ્યું છે કે પાકિસ્તાનની સાથે એના મુદ્દા સંપૂર્ણ રીતે દ્વિપક્ષી છે અને એમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.

 ભારત-ચીન સંબંધોમાં સુધારોચીનની વિદેશ નીતિ સંબંધિત પહેલ પર પોતાના સંબોધનમાં વાંગ યીએ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં આવી રહેલી સકારાત્મક ગતિનો ઉલ્લેખ કર્યો અને આ વર્ષે ઓગસ્ટમાં તિયાનજિનમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજિંગ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો પણ ઉલ્લેખ કર્યો હતો.