કેન્દ્રની 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવવાની જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂનનો દિવસ ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનની કોપી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે. 1975માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે જાહેરાત કરી છે કે દર વર્ષે 25 જૂનના રોજ એ તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને 1975ની ઇમરજન્સીની અમાનવીય દર્દ સહન કર્યું છે.ભારતના બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત 1962, 1971 અને 1975માં કલમ 352 હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.1975માં કટોકટી લાદવાની જાહેરાત અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અરજી પર હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રાયબરેલીથી તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી કટોકટી જાહેર કરવામાં આવી હતી.