દિલ્હીમાં મતદાન પહેલાં કેજરીવાલની વિરુદ્ધ હરિયાણામાં કેસ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચૂંટણીના એક દિવસ પહેલાં હરિયાણામાં ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ તેમના નિવેદનને લઈને દાખલ થયો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે હરિયાણા યમુનાના પામીને ઝેરીલું બનાવી રહ્યું છે. હરિયાણામાં દાખલ આ મામલે આપ પાર્ટીના પ્રમુખ પર ભારતીય ન્યાય સંહિતની વિવિધ કલમો હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.  

એડવોકેટ જગમોહન મનચંદા નામના વ્યક્તિએ આ FIR નોંધાવી છે. જગમોહન મનચંદાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમના નિવેદનને પક્ષપાતી રાજકારણ ગણાવ્યું હતું, ત્યાર બાદ કેજરીવાલ વિરુદ્ધ BNS ની કલમ 192, 196 (1), 197 (1), 248 (a) અને 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં  દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું  કે આ પ્રદૂષિત પાણી એટલું ઝેરી છે કે તેને દિલ્હીમાં હાજર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ટ્રીટ કરી શકાતું નથી. ભાજપ દિલ્હીના રહેવાસીઓની સામૂહિક હત્યા કરવા માગે છે, પણ અમે આવું નહીં થવા દઈએ.

આ નિવેદન પછી ચૂંટણી પંચે તેમને પ્રશ્નો પૂછ્યા હતા અને એના જવાબો માગ્યા હતા. જે બાદ કેજરીવાલે તેને જાહેર હિતમાં કરવામાં આવેલી ટિપ્પણી ગણાવી હતી. કેજરીવાલે ECI નોટિસનો 14 પાનાનો જવાબ આપ્યો હતો.