અમદાવાદઃ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા આજે તેના ફાઉન્ડર (સંસ્થાપક) ચેરમેન ઇન્દ્રવદન મોદીની 100મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોદી એક અગ્રણી સ્વપ્નદ્રષ્ટા હતા તથા તેમને ભારતીય ફાર્મસીના પિતા તરીકે વ્યાપકપણે સન્માનિત કરવામાં આવે છે.
એવા સમયે, જ્યારે દેશની ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં હતી અને ઘણુંખરું આયાત પર નિર્ભર હતી, ત્યારે ઇન્દ્રવદન મોદીએ એક આત્મનિર્ભર હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થવાનો પહેલાં જ અંદાજ લગાવી દીધો હતો. અતૂટ વિશ્વાસ અને રાષ્ટ્રીય ઉદ્દેશની ઊંડી ભાવના સાથે તેમણે કંપનીનો પાયો નાખ્યો હતો. આ મજબૂત આધાર એવા વિશ્વાસથી પ્રેરિત હતો કે ગુણવત્તાયુક્ત દવાઓ દરેક ભારતીય માટે સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થવી જોઈએ.
દેશમાં જ્યારે સ્વદેશી દવા ઉત્પાદન મર્યાદિત હતું અને વૈજ્ઞાનિક સંસાધનોની અછત હતી, ત્યારે તેમણે રિસર્ચ, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ અને ટેલેન્ટ ડેવલપમેન્ટમાં રોકાણ કરીને અસાધારણ દૂરંદેશી દર્શાવી હતી. તેમનું વિઝન બિઝનેસથી આગળ વધીને હેલ્થકેર (આરોગ્ય સંભાળ), નીતિશાસ્ત્ર અને ઈનોવેશન દ્વારા રાષ્ટ્રનિર્માણ સુધીનું હતું.
વીતેલા કેટલાક દાયકાઓમાં, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની- ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ તરીકે વિકસિત થઈ છે. આ પ્રસિદ્ધ ફાર્મા બ્રાંડ, તેના સંસ્થાપકની પ્રામાણિકતા, કરુણા અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના સિદ્ધાંતોને નિરંતર આગળ વધારી રહી છે. કંપનીનો વિકાસ, આયાત નિર્ભરતાથી વિશ્વના અગ્રણી સસ્તા દવાઓના સપ્લાયર્સમાંના એક બનવા સુધી, ભારતના ફાર્મા સેક્ટરમાં આવેલું પરિવર્તન દર્શાવે છે.
આ પ્રસંગે, ડો. રાજીવ મોદીએ કહ્યું હતું કે મારા પિતા પ્રબળ રીતે માનતા હતા કે દવાઓ ફક્ત ઉત્પાદનો જ નથી, પરંતુ તે એક સામાજિક જવાબદારી પણ છે. તેમણે જ્યારે કેડિલા શરૂ કર્યું હતું, ત્યારે ભારતમાં મજબૂત ફાર્માસ્યુટિકલ આધારનો અભાવ હતો. તેમ છતાં ભારતીય વિજ્ઞાનમાં તેમનો વિશ્વાસ અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ક્યારેય ડગમગી ન હતી. તેમની શતાબ્દીની ઉજવણી કરતી વખતે અમે તેમના વિઝન, નૈતિક અને સરળ રીતે ઉપલબ્ધ હોય એવી આરોગ્ય સંભાળ દ્વારા માનવતાની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.


