નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંલગ્ન સંસ્થા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ-વોલ્માર્ટ સહિતની બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપનીઓને આપવામાં આવેલી તમામ પરવાનગીઓને તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે અને એમની તમામ પ્રવૃત્તિઓને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે.
સ્વદેશી જાગરણ મંચે તેના રાષ્ટ્રીય સંમેલનમાં માગણી કરી છે કે આ આખી બાબતમાં સીબીઆઈ દ્વારા તપાસ યોજવામાં આવે. બીજું, આ કંપનીઓ પાસેથી સીધી કે આડકતરી રીતે લાભ મેળવવા સરકારી અધિકારીઓને રજા પર ઉતારી દેવા જોઈએ જેથી સમગ્ર મામલામાં યોગ્ય રીતે તપાસ હાથ ધરી શકાય અને અધિકારીઓને એમના ગુના બદલ સજા કરવી જોઈએ.