શોપિંગમાં મળતી કેશબેક ઓફર પર GST લાગશે?

નવી દિલ્હીઃ ક્રેડિટ કાર્ડ લેવાની પાછળ લોકોનું એક કારણ હોય છે, કેમ કે એના દ્વારા કરવામાં આવતા શોપિંગ પર મળતા રિવોર્ડ્સ અને કેશબેક. લોકો સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સિસ કે ગેજેટ્સની ખરીદદારી માટે કેશબેક ઓફરની રાહ જુએ છે. વળી, કંપનીઓ પણ તહેવારોમાં કે સ્પેશિયલ ડેએ આવી લલચામણી ઓફર કરતી રહે છે. બેન્કોના ક્રેડિટ કાર્ડ પર મળતી ભારે કેશબેકથી ગ્રાહકોને ખરીદી પર સારીએવી છૂટ મળી જાય છે, પણ હવે આ છૂટ પર ગ્રહણ લાગી શકે છે. સરકાર ટૂંક સમયમાં આવી કેશબેકની ઓફરો પર GST લગાવવાની તૈયારી કરી રહી છે. હાલ આવી કેશબેક ઓફરો થકી ગ્રાહકોને તેમનાં ખાતાંમાં સીધી ચુકવણી કરવામાં આવે છે, જેના પર કોઈ ટેક્સ નથી લાગતો.

સરકાર ક્રેડિટ કાર્ડ કંપનીઓ અથવા પેમેન્ટ ગેટવે દ્વારા મળતા કેશબેક જેવી ઓફર્સને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સર્વિસ તરીકે જોઈ રહી છે. એટલે GST લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, પણ સરકારે એને ગ્રાહકોને અપાતી છૂટ તરીકે જોવી જોઈએ અને કેશબેકને GSTના દાયરામાં ના લાવવી જોઈએ. જો ભવિષ્યમાં એવું થશે તો ક્રેડિટ કાર્ડ કંપનીઓ કેશબેકમાં ટેક્સને પહેલેથી સામેલ કરી દેશે, જે પછી GST કાપીને ગ્રાહકને ઓછી છૂટ મળશે. આમ બધો ભાર કન્યાને કેડે તરીકે ગ્રાહકે જ GST ચૂકવવો પડશે.

હાલ TDS કપાય છે

ઇન્કમ ટેક્સ વિભાગ ક્રેડિટ કાર્ડ પર મળતા રિવોર્ડસ અને કેશબેકને અન્ય સ્રોતથી આવકના મથળા હેઠળની આવક માને છે અને એ ટેક્સના દાયરામાં આવે છે. જો કોઈ એક વ્યક્તિ વર્ષમાં રૂ. 50,000થી વધુની કેશ બેક મળે છે તો કંપની એના પર 10 ટકાના હિસાબે TDS કાપી લે છે.