બજાર : ઉતાર-ચઢાવ પછી બજાર ફરી રેકોર્ડ સપાટીએ બંધ થયું

ભારતીય શેરબજાર મંગળવારે ફરી એકવાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું. ભારતીય શેરબજાર સતત પાંચમા દિવસે રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું હતું. મંગળવારે પ્રથમ વખત સેન્સેક્સ 65479.05 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ પ્રથમ વખત 19389 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આ દરમિયાન નિફ્ટી બેંક પણ પ્રથમ વખત 45301 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સેક્ટર અને આઇટી શેરોએ બજારના ઉછાળામાં ફાળો આપ્યો હતો. ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોના વધતા રસ અને બજાજ ગ્રૂપના બંને હેવીવેઇટ શેર્સમાં તેજીના કારણે બજાર મજબૂત બન્યું હતું. માહિતી અનુસાર, બજારની હરિયાળી વચ્ચે મંગળવારે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 46,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

નિફ્ટીના મોટા ભાગના સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા

નિફ્ટીના અલગ-અલગ સેક્ટરની વાત કરીએ તો મોટાભાગના સૂચકાંકો લીલા નિશાન પર બંધ થયા છે. નિફ્ટી બેન્ક 0.32%, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસીસ 0.79% અને નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.14% પોઈન્ટના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ નિફ્ટી ઓટોમાં 0.48 ટકાનો ઘટાડો નોંધાયો હતો.