નિયમોનું પાલન કરવા ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે આજે કહ્યું છે કે ભારતમાં ડિજિટલ મિડિયા માટે નવા લાગુ થયેલા માહિતી ટેક્નોલોજીના નિયમોનું ટ્વિટરે પણ પાલન કરવું જ પડશે. આ નિયમોના અમલ પર સ્ટે ઓર્ડર ન મૂકાય તો ટ્વિટરે પણ એનો અમલ કરવો જ પડશે.

ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ આ કેસમાં આજે સુનાવણી વખતે કેન્દ્ર સરકાર અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટરને પોતપોતાનું વલણ જણાવવાનો આદેશ આપ્યો છે. આ કેસ અમિત આચાર્ય નામના એક એડવોકેટે કર્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે ટ્વિટર કંપની નવા નિયમોનું પાલન કરતી નથી. ટ્વિટરે કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે તેણે નિયમોનું પાલન કર્યું છે અને એક નિવાસી ગ્રીવન્સ અધિકારીની નિમણૂક કરી છે. પરંતુ ટ્વિટરના આ દાવા સામે ભારત સરકારે કહ્યું હતું કે ટ્વિટરે એવી કોઈ નિમણૂક કરી નથી. ટ્વિટરે નિયમોનું પાલન કર્યું નથી.