મુંબઈઃ ટાટા ગ્રુપે ખરીદી લીધેલી દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર બનવાનો તૂર્કીના ઈલ્કર આયસીએ ઈનકાર કરી દીધો છે. એમણે ગઈ કાલે એક નિવેદન દ્વારા જાહેરાત કરી હતી કે પોતે એર ઈન્ડિયાના ટોચના હોદ્દા પર બિરાજમાન થવાના નથી. એમણે લખ્યું છે કે, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના સીઈઓ તરીકે 1 એપ્રિલથી આરંભ થાય એ રીતે મારી નિયુક્તિની ફેબ્રુઆરીના આરંભમાં જાહેરાત કરી હતી, એ જાહેરાત થઈ ત્યારથી ભારતીય પ્રચારમાધ્યમોના અમુક વર્ગોમાં મારી નિયુક્તિ વિશે અનિચ્છનીય સ્વરૂપ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના સમાચાર વાંચીને મને દુઃખ થયું છે. હવે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાના સીઈઓ પદ માટે કોઈ નવી વ્યક્તિની પસંદગી કરશે. ઈલ્કર આયસી તૂર્કીની ટર્કિશ એરલાઈનના ભૂતપૂર્વ ચેરમેન છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપે ગયા મહિને આયસીની નિમણૂકની જાહેરાત કર્યાના અમુક દિવોસ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચે નરેન્દ્ર મોદી સરકારને વિનંતી કરી હતી કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને તે આયસીની નિમણૂકને સિક્યુરિટી મંજૂરી ન આપે. બીજી બાજુ, અમુક મિડિયામાં એવા અહેવાલો છપાયા હતા કે આયસીની નિમણૂક કરવાના ટાટા ગ્રુપનો નિર્ણય એને મુશ્કેલીમાં મૂકી શકે છે, કારણ કે આયસીને તૂર્કીના પ્રમુખ રેસીપ તાઈપ એર્ડોગન સાથે સારા સંબંધ છે અને એર્ડોગન પાકિસ્તાનના સમર્થક છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રમાં સીઈઓ પદ પર કોઈ વિદેશી નાગરિકની નિમણૂક માટે જે તે કંપનીએ ભારત સરકાર પાસેથી સિક્યુરિટી મંજૂરી મેળવવી પડે છે.