નવી દિલ્હીઃ હાઈબ્રિડ વાહનો પરના કરવેરામાં કાપ મૂકાવવા માટે જાપાનની ટોયોટા મોટર કંપની ભારત સરકારનું લોબિંગ કરી રહી છે. ટોયોટા દુનિયાની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની છે. તેની દલીલ છે કે હાઈબ્રિડ કાર પેટ્રોલ પર ચાલતી કાર કરતાં ઘણું ઓછું પ્રદૂષણ ફેલાવે છે. કંપનીએ પોતાની રજૂઆત ભારત સરકારને આપેલા એક પત્રમાં કરી છે.
ઉલ્લેખનીય છે કે, હાઈબ્રિડ કાર એક કરતાં વધારે ઊર્જાનો ઉપયોગ કરે છે. જેમ કે, ઈલેક્ટ્રિક મોટર સાથે પેટ્રોલ કે ડિઝલ એન્જિન પણ હોય અને વાહનને ચાલુ કરવા માટે બે સિસ્ટમ એકબીજા સાથે મળીને કામ કરે છે. આને કારણે કાર ઓછો ગેસ વાપરે છે અને વધુ સારી ઈંધણ કાર્યક્ષમતા મેળવે છે. માત્ર પેટ્રોલ કે ડિઝલ ઈંધણ વાપરતા પરંપરાગત એન્જિન કરતાં આ પ્રદૂષણ રોકવા માટે ફાયદાકારક છે.
ટોયોટા કંપની ભારતમાં હાઈબ્રિડ કારની માગમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવા ધારે છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેનું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધે એ માટે કેન્દ્રિત કર્યું છે. એ માટે સરકાર કંપનીઓને ઈલેક્ટ્રિક કાર પ્લાન્ટ તથા બેટરી ઉત્પાદન માટે કરોડો ડોલરની સવલતો ઓફર કરી રહી છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો પર માત્ર પાંચ ટકા કરવેરો છે જ્યારે હાઈબ્રિડ વાહનો પર 43 ટકા ટેક્સ લેવાય છે. પેટ્રોલ કાર પરનો કરવેરો 48 ટકા છે.
ટોયોટા (ઈન્ડિયા કન્ટ્રી)ના વડા વિક્રમ ગુલાટીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે પેટ્રોલ કારની સામે હાઈબ્રિડ કારને કરાતી ફેવર ઘણી અપૂરતી છે. હાઈબ્રિડ કાર ઘણું ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને વધારે સારું ઈંધણ ગણાય છે. તેથી હાઈબ્રિડ વાહનો પર ભારતમાં ઉઘરાવાતો ટેક્સ 14-21 ટકા ઘટાડી દેવો જોઈએ.