મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં ઇન્ફ્રા ક્ષેત્ર પર ભાર આપતાં શેરબજારોમાં તેજી થઈ હતી. ખાસ કરીને મેટલ અને કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ફાર્માના શેરોમાં ભારે લેવાલીથી સેન્સેક્સ બેતરફી વધઘટને અંતે 848 પોઇન્ટ ઊછળીને 58,862.57ના મથાળે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 237 પોઇન્ટ વધીને 17,576ની સપાટી બંધ રહ્યો હતો.
બજારમાં ઇન્ટ્રા-ડેમાં ઓટો, ઓઇલ અને ગેસના શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. BSE મિડકેપ 1.21 ટકા વધી 24,909.77ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ 1.02 ટકા વધી 29,525.83ના મથાળે બંધ રહ્યો હતો. નાણાપ્રધાને કેપેક્સ (મૂડીખર્ચ)માં 35 ટકાના વધારાની જાહેરાત કરી હતી. જેથી સરકારનું ધ્યાન ઉત્પાદન અને ઇન્ફ્રા પર છે. સરકારે હાઉસિંગ પ્રોજેક્ટો પર રૂ. 48,000 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. જેથી રિયલ એસ્ટેટ શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. નાણાપ્રધાન બજેટ રજૂ કરી રહ્યા હતા, ત્યારે એક તબક્કે સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 59,032નો હાઇ બનાવ્યો હતો, પણ એ પછી ઓપરેટરોએ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી શરૂ કરતાં સેન્સેક્સે નીચામાં 57,737. 66નો લો બનાવ્યો હતો. આમ સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 1300 પોઇન્ટ તૂટ્યો હતો.
જોકે એ પછી તેજીવાળાઓએ શેરોમાં નીચા મથાળે લેવાલી કાઢતાં સેન્સેક્સ ફરી એક વાર 900 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. ટ્રેડર્સે કહ્યું હતું કે મજબૂત વૈશ્વિક સંકેતો અને બજેટમાં કોઈ પ્રતિકૂળ જાહેરાત ન હોવાથી બજારમાં તેજી થઈ હતી. શેરબજારમાં સોમવારે FIIએ રૂ. 3624.48 કરોડના શેરો વેચ્યા હતા.