‘બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ, રોજગાર સર્જન, ડિજિટલ, સ્ટાર્ટઅપ્સ સહિત આર્થિક વિકાસને વેગ આપશે’

બજેટ સ્પેશ્યલ – જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)

બજેટ સારું છે, પરંતુ મારું નથી… આ મતલબની લાગણી ભારતનો સામાન્ય -મધ્યમ વર્ગનો નાગરિક વ્યક્ત કરે એવું વરસ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર દેશ માટે તો વિકાસલક્ષી છે, કિંતુ સામાન્ય માનવીને તેમાં પોતાનો વિકાસ  દેખાતો નથી. મોદી સરકારે શું આમ ઈરાદાપૂર્વક કર્યું હશે? કે પછી તેને મધ્યમ વર્ગને રાહત આપવી જોઈએ એવો કોઈ વિચાર જ નહીં આવ્યો હોય? ખાસ કરીને કોરોનાના બે વરસના કપરાં કાળ બાદ પણ સરકારને આ વર્ગ પ્રત્યે કોઈ સહાનુભુતિ નહીં હોય? જેમણે આ બે વરસમાં સેલેરી કટનો અથવા જોબ કટનો સામનો કર્યો છે. આ ઉપરાંત પગારદાર વર્ગથી જુદો એવો સ્વરોજગાર ધરાવતા વર્ગને પણ સરકારે નિરાશ કર્યા છે. આ બે વર્ગની ઉપેક્ષા કરીને સરકારે જોરશોરથી ‘સબ કા વિકાસ-સબ કા વિશ્વાસ’ અને હવે ‘સબ કા પ્રયાસ’ શબ્દોનો પ્રયોગ સહજતાથી કર્યો છે. આટલી નકારાત્મકતાને બાદ કરતા બજેટ ખરેખર વિકાસલક્ષી હોવાનું કહી શકાય એવા અનેકવિધ પગલાં આ બજેટમાં છે એવું માનવાના કારણો છે. આમ તો બજેટે આઝાદીના ૧૦૦ વરસ સુધીનાં લક્ષ્યને ધ્યાનમાં રાખ્યું છે. અર્થાત, મોદી સરકારની દોડ અને દ્રષ્ટિ બહુ જ લાંબી કહી શકાય.

વિકાસના એન્જિનને વેગ

આપણે આવા કેટલાંક કારણોની ઝલક જોઈએ. એક તો, સરકારે નાના-મધ્યમ વર્ગને સીધો લાભ કે રાહત ભલે કંઈ આપ્યા નથી, પણ તેમને પરોક્ષ લાભ મળે એવા આર્થિક વિકાસ પર ફોકસ કર્યું છે. કર રાહત નથી આપી તો કરબોજ પણ નાંખ્યો નથી. બીજી વાત, સરકારે દેશના વિકાસ માટે જે-જે સેકટર પર ભાર મુકવો જોઈએ તે-તે ક્ષેત્રને બજેટમાં દિલ-દિમાગથી ફાળવણી કરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસ માટે ભંડોળ ફાળવવા સાથે મૂડી ઊભી કરવાનો નક્કર પ્રયાસ કર્યો છે અને પોતે પણ મોટું ભંડોળ ફાળવ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર એ આર્થિક વિકાસનો પાયો છે, સરકારે આ પાયાના સાત એન્જિન ઘડ્યા છે, જે વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનું મિશન અને વિઝન ધરાવે છે. ગયા વરસે કૃષિ કાનૂનને કારણે ખેડૂતોના વિવાદનો ભોગ બન્યા બાદ સરકારે ત્રણ કાનૂન પાછાં ખેંચીને બાજી તો સુધારી, કિંતુ નવો વિશ્વાસ મેળવવા આ બજેટમાં ખેડૂતો ને કૃષિ ક્ષેત્રને ભરપુર તેમ જ લાંબગાળાના લાભ આપવાનો વ્યૂહ રાખ્યો છે.

રોજગારી વધારવા પર ભાર

દેશમાં બેરોજગારીની સમસ્યા સતત ચર્ચા અને ચિંતાનો વિષય રહી હોવાથી બજેટે તેના ઉકેલ પર પણ ગંભીરપણે ધ્યાન આપ્યું છે. વેપાર-ઉધોગોને અને માળખાકીય ક્ષેત્ર તેમ જ લઘુ-મધ્યમ એકમોને રાહત મારફત રોજગાર સર્જન પર ભાર મુકાયો છે. અને હા, સ્ટાર્ટઅપ્સને બુસ્ટ અપ આપ્યું જ છે, જે રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે એવો આશાવાદ છે. ડિજિટલનો ડંકો વાગે એવા પગલા બજેટે દિલથી લીધા છે. ડિજિટલના લાભ અનેક છે તેની દુરંદેશી જાળવીને સરકારે ડિજિટલ ઈન્ડિયાની જાહેરાત તો કયારની કરી હતી, આ બજેટમાં તેને બિગ બુસ્ટર આપ્યું છે. આ સાથે રિઝર્વ બેંક હવે પછી ડિજિટલ રુપી બહાર પાડશે એવી જાહેરાત કરીને નવી દિશામાં એક અતિ મહત્વનું કદમ ભરી દીધું છે. જોકે તેની માર્ગરેખા રિઝર્વ બેંક બહાર પાડે ત્યારે જ સ્પષ્ટ થશે. વળી ક્રિપ્ટો કરન્સીને હજી નિયમન ભલે અપાયા નથી, કિંતુ સરકારે બજેટમાં વર્ચ્યુઅલ કરન્સી-એસેટ્સની આવક પર ફલેટ ૩૦ ટકા ટેક્સ લાગશે એવું સ્પષ્ટ કરી દઈને ક્રિપ્ટોને પરોક્ષ માન્યતા આપી દીધી છે એમ કહી શકાય. ઈકિ્વટી શેરમાં આવક પર શોર્ટ ટર્મ ગેઈન પર ૧૫ ટકા અને લોંગ ટર્મ આવક પર ૧૦ ટકા ટેક્સ લાગે છે, જેની સામે ક્રિપ્ટોમાં સીધા ૩૦ ટકા ટેક્સ લાદીને સરકારે આ ખેલાડીઓને જાણે કહી દીધું છે કે રમો, જેટલું રમવું હોય તેટલું, કિંતુ કમાવ તો ૩૦ ટકા ટેક્સ ભરી દેજો. આ માટે સરકાર તેના પર બારીક નજર રાખશે, એક ટકાનો ટીડીએસ પણ લાગુ કરી દીધો છે. વધુમાં આ આવક સામે અન્ય કોઈ ખર્ચ અથવા ખોટ બાદ નહીં મળી શકે. આ ક્રિપ્ટોને ભેટમાં અપાશે તો જેને ભેટ મળી હોય તેણે ૩૦ ટકા ટેક્સ ભરવો પડશે.

વ્યક્તિગત આવક વેરાની બાબતે કોઈ ફેરફાર કરાયા નથી. જેથી કરદાતાઓ પર કોઈ નવો બોજ નથી. લોંગ  કેપિટલ ગેઈન ટેક્સના મામલે સરચાર્જના કન્ફ્યુઝન દૂર કરાયા છે અને હવે તમામ પ્રકારના લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પર ૧૫ ટકા સરચાર્જ  લાગશે.

ગતિશક્તિને વધુ ગતિ

બજેટે કેપિટલ ખર્ચ માટે જોગવાઈ-ફાળવણી વધારી છે અને ખાનગી રોકાણને આકર્ષવાના મહત્વના કદમ ભર્યા છે. બજેટે રોજગાર સર્જન પર મહત્તમ ભાર મુકીને  યુવા વર્ગ પર વધુ ધ્યાન આપ્યું  છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર પર પણ વિશેષ ભાર મુકાયો છે. ડિફેન્સ સેક્ટરને જબ્બર પ્રોત્સાહન અપાયું છે, અર્થાત સથાનિક સ્તરે જ વધુ ડિફેન્સ પ્રોડક્શન થાય એવું લક્ષ્ય છે. પીએમ ગતિશક્તિ કાર્યક્રમને વધુ વેગ આપવા માટે ગયા વરસની ચોક્કસ નિર્ધારિત રાહતો-પ્રોત્સાહનો ચાલુ રખાયા છે. માઈક્રો-લઘુ-મધ્યમ એકમોને ધિરાણ સુવિધા સાથે રાહત આપીને મહત્વનું કદમ ભર્યું છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પણ નવા લેવલ પર લઈ જવાશે.

જમીનની બાબતે ‘વન નેશન-વન રજિસ્ટ્રેશન’નો અભિગમ આવકાર્ય છે. ટેલિકોમ સેક્ટરને ફાઈવ-જી માટે માર્ગ કરી આપ્યો છે.

આ બજેટમાં પોસ્ટ ઓફિસોને બેંક બનાવવાના નક્કર પ્રયાસ આગળ વધારાયા છે.

સ્પેશ્યલ ઈકનોમિક ઝોન્સ માટે નવો કાનૂન લાવી તેને વધુ સક્ષમ બનાવવાનું લક્ષ્ય રખાયું છે.

સ્ટાર્ટઅપ્સ ઈકોસિસ્ટમ માટે ખાસ સમિતિ બનાવીને આ સેગમેન્ટમાં વધુ રોજગાર સર્જન થઈ શકે એવું વિઝન છે. ગિફ્ટ સિટીને ચોક્કસ પ્રોત્સાહન અપાયા છે.

મોંઘવારીની ઉપેક્ષા કરાઈ

જીએસટી કલેક્શનની વૃધ્ધિને ધ્યાનમાં રાખી તેમાં અન્ય કોઈ ફેરફાર કરાયા નથી. આ કલેક્શનના વિક્રમને ઈકોનોમીની રિકવરીનો પુરાવો માનવામાં આવે છે. જોકે ચોક્કસ ચીજો પરનો જીએસટી ઘટાડવામાં આવશે એવી આશા હતી, જે ફળી નથી. આ બોજ ઘટે તો મોંઘવારીમાં રાહત થઈ શકત. જોકે રંજની વાત એ છે કે મધ્યમ અને સામાન્ય વર્ગને મહામારીની પીડા બાદ રાહતની મોટી આશા હતી, જેમાં નિરાશા મળી છે. મોંઘવારીની બાબતે પણ કોઈ નક્કર કદમ નહીં ભરીને બજેટે આ બાબતને રિઝર્વ બેંક પર છોડી દીધી હોવાનું જણાય છે.

શેરબજાર નારાજી સાથે પણ રાજી રહ્યું

શેરબજાર માટે બજેટમાં કંઈ જ ખાસ નક્કર જાહેરાત નહીં આવતા બજારે બજેટ પહેલાં ૧૦૦૦ પોઈન્ટ સુધીના ઉછાળા બાદ કરેક્શનની શરુઆત કરી દીધી હતી. જોકે બંધ થતી વખતે સેન્સેકસ ૮૪૮ પોઈન્ટ અને નિફ્ટી સવા બસો પોઈન્ટની રિકવરી પર આવી ગયા હતા, જેથી બજારે એકંદરે બજેટને આવકાર્યું હોવાનું માની શકાય. જો કે હજી આગામી સમય અને અન્ય પરિબળો પર નજર રાખવી પડશે. હાલ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ચોકકસ સેક્ટર્સ પર મીટ માંડવામાં સાર ખરો. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી નવમી ફેબ્રુઆરીએ જાહેર થવાની છે તેના પર પણ નજર રાખવી જોઈશે.