નવી દિલ્હીઃ અસંગઠિત ક્ષેત્રના કામદારોને પાછલી ઉંમરે નાણાકીય સહાય મળી રહે એટલા માટે કેન્દ્ર સરકારે વડા પ્રધાન શ્રમ યોગી માન-ધન યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 44.90થી વધુ શ્રમિકોનાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં છે. શ્રમ અને રોજગારપ્રધાન સંતોષ ગંગવારે કહ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સુરક્ષા આપવા માટે સરકારે 60 વર્ષની વય પૂરી થયા પછી રૂ. 3000 મહિને લઘુતમ પેન્શન કરવા માટે માર્ચ, 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના (PM-SYM)નો પ્રારંભ કર્યો હતો.
આ યોજના હેઠળ ચોથી માર્ચ, 2021 સુધી આશરે 44.90 લાખ શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ યોજનામાં 18-40 વર્ષના વયજૂથમાં એવા શ્રમિકો સામેલ થઈ શકે, જેમની મહિને આવક રૂ. 15,000થી ઓછી છે. PM-SYM યોજના હેઠળ શ્રમિકોએ અલગ-અલગ ઉંમરે જુદા-જુદા પૈસા મૂડીરોકાણ કરવાના હોય છે. આ યોજના હેઠળ રૂ. 55થી રૂ. 200 મહિને રોકાણ કરી શકાય છે. PM-SYM યોજનામાં 18 વર્ષની ઉંમરે પ્રતિ મહિને રૂ. 55, 30 વર્ષની ઉંમરે અરજી કરનારે રૂ. 100 અને 40 વર્ષે રૂ. 2000 મહિને આપવાના હોય છે.
કોઈ પણ શ્રમિકે PM-SYM યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો તેણે એક વર્ષમાં રૂ. 660 જમા કરાવવાના રહેશે. એ શ્રમિકે 60 વર્ષ સુધી રૂ. 27,720 રોકાણ કરવાનું રહેશે. શ્રમિકે 42 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે. 60 વર્ષે તેને રૂ. 3000 પ્રતિ મહિને મળશે.
સરકાર આ યોજનાને એલઆઇસીના માધ્યમથી ચલાવી રહી છે. એટલા માટે પેન્શનની ચુકવણી એલઆઇસી જ કરશે.