સંપત્તિમાં-ઉછાળોઃ અદાણીએ અંબાણી, મસ્ક, બેઝોસને પાછળ પાડ્યા

મુંબઈઃ સંપત્તિમાં વધારાની દ્રષ્ટિએ ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, સ્પેસએક્સના એલન મસ્ક અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પણ પાછળ રાખી દીધા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ અને ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિઓમાંના એક, ગૌતમ અદાણીએ ગયા એક વર્ષમાં દુનિયામાં બીજા કોઈ પણ કરતાં વધારે સંપત્તિ પ્રાપ્ત કરી છે. આનો મતલબ એ કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ એલન મસ્ક, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ અને એશિયાના શ્રીમંત નંબર-1 મુકેશ અંબાણી કરતાં પણ વધુ ઉછાળો આવ્યો છે.

અદાણીની સંપત્તિ 16.2 અબજ ડોલર હતી, તે 2021માં વધીને 50 અબજ ડોલર થઈ. આ વૃદ્ધિ એક જ વર્ષમાં 34 અબજ ડોલરની થાય. આટલા જ સમયગાળામાં મુકેશ અંબાણીએ 8.1 અબજ ડોલર હાંસલ કર્યા હતા. અદાણીની મોટા ભાગની કંપનીઓના શેરના ભાવ આશરે 50 ટકા જેટલા વધ્યા છે. અમુક કંપનીના શેર તો 90 ટકા જેટલા વધ્યા છે, જેમ કે અદાણી એન્ટરપ્રાઈઝીસનો શેર 90 ટકા, અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર 96 ટકા, અદાણી ટ્રાન્સમિશનનો શેર 79 ટકા, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ લિમિટેડનો શેર 52 ટકા વધ્યો છે. અદાણી પાવર લિમિટેડની સંપત્તિ બે અબજ ડોલર છે, જ્યારે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની 6 અબજ ડોલર, અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડની 8 અબજ ડોલર, અદાણી ટોટલ ગેસ લિમિટેડની 8 અબજ ડોલર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની 18 અબજ, અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ પાસે 9 અબજ ડોલરની કિંમતની સંપત્તિ છે.