ખાનગીકરણઃ 12 સરકારી-બેન્કો, વીમા કંપનીઓની યાદી સુપરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગયા મહિને કેન્દ્રીય બજેટ-2021માં જાહેર કર્યા મુજબ, સરકારે જાહેર ક્ષેત્રની એ 12 બેન્કો અને વીમા કંપનીઓની પહેલી યાદી સુપરત કરી છે. સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 1.75 લાખ કરોડ ઊભાં કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પોતાની આ મહત્ત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે તેણે જાહેર ક્ષેત્રની 12 બેન્કો અને વીમા કંપનીઓની યાદી આપી છે. હવે આ યાદી પર સરકારના ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગ અને કેબિનેટ સેક્રેટરીની આગેવાની હેઠળના કોર ગ્રુપ ઓફ સેક્રેટરીઝ ઓન ડાઈવેસ્ટમેન્ટ દ્વારા વિચારણા કરવામાં આવશે. જાહેર ક્ષેત્રની કઈ બેન્કો અને કંપનીઓનું વિલિનીકરણ કે ખાનગીકરણ કરવું એના નામો સૂચવવાની વ્યૂહાત્મક કામગીરી સરકારે નીતિ આયોગને સોંપી છે.

આ યાદીમાં વીજળી, પેટ્રોલિયમ, કોલસો, અન્ય ખનીજ તત્ત્વ, એટમિક એનર્જી, અવકાશ સંશોધન, સંરક્ષણ, બેન્કિંગ, વીમા, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટ્રાન્સપોર્ટ, ટેલીકમ્યુનિકેશન્સ ક્ષેત્રોની સરકારી કંપનીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં જોકે સ્વાયત્ત સંસ્થાઓ, રેગ્યુલેટરી સત્તાધીશ સંસ્થાઓ, ટ્રસ્ટ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ-સંસ્થાઓને બાકાત રાખવામાં આવી છે. ખાનગીકરણના સરકારના આ નિર્ણય સામેના વિરોધમાં જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠનોએ 15-16 માર્ચ, એમ બે દિવસ હડતાળનું એલાન કર્યું છે.