સરકારી-કર્મચારીને નિવૃત્તિના દિવસે બધા પેન્શનના લાભ મળશે

નવી દિલ્હીઃ નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓને બધા પ્રકારના પેન્શનના લાભ નિવૃત્તિને દિવસે જ આપવાનો નિર્ણય કર્યો છે. પર્સોનલ અને ગ્રિવેન્સિસ મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે બધાં મંત્રાલયોને પેન્શનના લાભ નિવૃત્તિના દિવસે જ કર્મચારીને આપી દેવા માટે પત્ર લખ્યો છે, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું.

વિભાગને માલૂમ પડ્યું હતું કે નિયમો અને નિર્દેશોમાં નિર્ધારિત સમયમર્યાદા અને સોફ્ટવેર (ઓનલાઇન પેન્શન સ્વીકૃતિ અને ચુકવણી ટ્રેકિંગ પ્રણાલી છતાં)ના માધ્યમથી પ્રક્રિયાઓ સરળ અને સુવ્યવસ્થિત કર્યા છતાં પેન્શન ચુકવણીના આદેશ અને નિવૃત્તિના લાભ મોડા મળતા હોવાના અનેક કેસો સામે આવ્યા છે. વિભાગને મોટા પાયે ફરિયાદો મળી હતી, જેમાં નિવૃત્તિના કેટલાય મહિનાઓ પછી પણ નિવૃત્તિની ચુકવણીની રકમની ચુકવણી ના કરવા સંબંધિત હતી. વળી, નિવૃત્તિની બાકી રકમ ચૂકવવામાં મોડેથી ચૂકવવા બદલ કેસો પણ થાય છે. મોટા ભાગના કેસોમાં કોર્ટે નિવૃત્તિના લાભો મોડા ચૂકવવા બદલ વ્યાજ સહિત ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો. અને વિભાગના અધિકારીઓને લઈને આકરી ટિપ્પણી કરી હતી.

સરકારે બધા વિભાગોના ટોચના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના લાભ મળવામાં મોડું ના થાય એ માટે ખુદ તેઓ દેખરેખ રાખે. જો કોઈ વિભાગને પેન્શન પ્રક્રિયામાં વિલંબના કેસ મળે તો એની માહિતી આપવાની રહેશે. હવે સરકારની તૈયારી છે કે સરકારી કર્મચારી જે દિવસે નિવૃત્ત થાય એ દિવસે જ બધા નિવૃત્તિના લાભની ચુકવણી કરી દેવામાં આવે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]