નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ફ્લાઇટ ટિકિટનું રિફંડ અત્યાર સુધી નહીં ચૂકવવા બદલ એરલાઇન્સ કંપનીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. લોકડાઉન દરમ્યાન ડોમેસ્ટિક ફ્લાઇટ્સની એર ટિકિટનું રિફંડ પેસેન્જરોને આપવા માટે 31 માર્ચ, 2021ની ડેડલાઇન રાખી હતી. આ ડેડલાઇનને સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરેલા આદેશ દ્વારા નક્કી કરી હતી. નાગરિક ઉડ્ડયનના સચિવે બુધવારે પેસેન્જરોના ક્રેડિટ શેલ (રિફંડ) બાબતે એરલાઇન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. MOCA સચિવે પેસેન્જરોના રિફંડ બાબતે બધી એરલાઇન્સ કંપનીઓને લોકડાઉન પહેલાં પેસેન્જર્સ દ્વારા ખરીદવામાં આવેલી ટિકિટો સંબંધે એરલાઇન્સ કંપનીઓને ફટકાર લગાવી હતી, એમ એક અધિકારીએ કહ્યું હતું.
ક્રેડિટ શેલ એક ક્રેડિટ નોટ છે, જેનો ઉપયોગ કેન્સલ્ડ PNRની સામે કરવામાં આવે છે. આટલું જ નહીં, એનો ઉપયોગ પેસેન્જર ભવિષ્યમાં ટિકિટ બુકિંગ માટે પણ કરે છે.
MoCA સચિવની અધ્યક્ષતામાં મળેલી એરલાઇન્ટ કંપનીઓના પ્રતિનિધિઓની બેઠકમાં ક્રેડિટ શેલ રિફંડ બાબતે જે કંપનીઓએ રિફંડ નથી ચૂકવ્યું એ બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે ગોએર અને ઇન્ડિગોએ મંત્રાલયને પોતાનું વચનપત્ર સોંપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે બધી ક્રેડિટ શેલને પેસેન્જર્સને રિફંડ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને 31 માર્ચ સુધી બધી ક્રેડિટ શેલ્સને ક્લિયર કરવા અને પેસેન્જર્સને તેમનાં નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો.