પેમેન્ટ-બેન્ક એકાઉન્ટ: રૂ.બે લાખ સુધી બેલેન્સની છૂટ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે દેશમાં કાર્યરત નાની પેમેન્ટ બેન્કોના ગ્રાહકોને તેમના ખાતામાં તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે વધુમાં વધુ રૂ. બે લાખ સુધીની બેલેન્સ રાખવાની છૂટ જાહેર કરી છે. આ છૂટ આ પહેલાં એક લાખ રૂપિયા સુધીની હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે પેમેન્ટ બેન્કો તેમના ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતોને પહોંચી શકે એ માટે, નાણાકીય પ્રવૃત્તિનો વ્યાપ વધારી શકાય તેમજ, પેમેન્ટ બેન્કોની ક્ષમતા વિસ્તારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ ભારતમાં છ પેમેન્ટ બેન્ક કાર્યરત છે. એરટેલ પેમેન્ટ બેન્ક, ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક, ફિનો પેમેન્ટ બેન્ક, પેટીએમ પેમેન્ટ બેન્ક, જિયો પેમેન્ટ બેન્ક અને એનએસડીએલ પેમેન્ટ બેન્ક. જે લોકો પરંપરાગત બેન્કો સાથે સંપર્કમાં રહી શકતા નથી એમને સહાયરૂપ થવા માટે આરબીઆઈએ પેમેન્ટ બેન્ક શરૂ કરવાની છૂટ આપી છે. આનું એક મોટું કારણ છે, ઓનલાઈન પેમેન્ટ કે ડિજિટલ પેમેન્ટ પ્રવૃત્તિઓમાં થયેલો વધારો. આવી બેન્કો વ્યક્તિગત લોકો, નાની કંપનીઓ કે અન્ય સંસ્થાઓને ગ્રાહક બનાવી શકે છે. ગ્રાહકો આવી બેન્કોમાં કરન્ટ ડિપોઝીટ કે સેવિંગ્સ ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આવી બેન્કો રીકરિંગ કે ફિક્સ્ડ ડિપોઝીટ એકાઉન્ટ ખોલી શકતી નથી. તેઓ કોઈને લોન પણ આપી શકતી નથી. તેઓ બિનનિવાસી ભારતીયો પાસેથી ડિપોઝીટ સ્વીકારી શકતી નથી. આવી બેન્કો તેમના ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપી શકે છે અને ECS, NEFT અને RTGS જેવી સેવાઓ પણ આપી શકે છે. ગ્રાહકો વતી આ બેન્કો યુટિલિટી બિલની ચૂકવણી કરી શકે છે. આ બેન્કો મારફત ગ્રાહકો મોબાઈલ બેન્કિંગ સેવા પણ મેળવી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]