સરકારે પાંચ વધુ ચિપઉત્પાદકોને ઉત્પાદન માટે મંજૂરી આપી

નવી દિલ્હીઃ સેમીકન્ડક્ટરના ઉત્પાદન માટે PLI સ્કીમ હેઠળ અમેરિકાસ્થિત માઇક્રોન ટેક્નોલોજીને મંજૂરી આપ્યા બાદ સરકારે આ યોજના હેઠળ વધુ પાંચ ચિપ ઉત્પાદક કંપનીઓની અરજીને મંજૂરી આપી છે. દેશમાં 6Gના એલાયન્સને લોન્ચ કરતાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતને વિશ્વની મોટી-મોટી કંપનીઓ તરફથી સેમીકન્ડક્ટર સ્કીમ વિશે પૃચ્છા થઈ રહી છે.

અમેરિકા, યુરોપ અને દક્ષિણ-એશિયાની મોટી-મોટી સેમીકન્ડક્ટર કંપનીઓ સેમીકન્ડક્ટર યોજનામાં રસ બતાવી રહી છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે આ યોજના હેઠળ પાંચ કંપનીઓને પસંદ કરવામાં આવી છે, આ કંપનીઓએ સેટેલાઇટ કોમ્યુનિકેશન અને ટેલિકોમ માટેની ચિપને ડિઝાઇન માટે એક સારો પ્રસ્તાવ મૂક્યો છે, એમ તેમણે કહ્યું હતું.

ગયા સપ્તાહે ગુજરાત સરકારે અમદાવાદના સાણંદ જિલ્લામાં 2.75 અબજ ડોલરનો સેમીકન્ડક્ટરનું ઉત્પાદન અને પરીક્ષણની સુવિધા સ્થાપવા માટે માઓઇક્રોન સાથે કરાર કર્યા હતા. અમને વિવિધ કંપનીઓ પાસેથી પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે, કેમ કે હવે ભારત સેમીકન્ડક્ટરનું હબ બનવાનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં વિશ્વની તુલનાએ 5G નેટવર્ક ઝડપથી સ્થપાઈ રહ્યું છે અને દેશ વૈશ્વિક સ્તરે ટોચની 5G ઇકોસિસ્ટમ બની જશે. વળી, ભારત વિશ્વ વ્યાપી રીતે બે 5G ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બનશે.

6Gના ડેવલપમેન્ટ વિશે તેમણે કહ્યું હતું કે દેશમાં 6G માટે 200 પેન્ટન્ટ છે. સરકારે સોમવારે 6G એલાયન્સ -6G ટેક્નોલોજી માટે એક મંચ તૈયાર કર્યો છે. દેશ પહેલાં ટેક્નોલોજી આયાતકાર હતો, પણ હવે દેશ ટેક્નોલોજીનો નિકાસકાર બની રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું. અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશો હવે ટેલિકોમ ઇક્વિપમેન્ટની આયાત કરવા માટે ભારત તરફ નજર દોડાવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.