AMCએ ભૂવા પડવાની સંભાવના વ્યક્ત કરી કે આપી ચેતવણી?

અમદાવાદઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસાની ઋતુ હોય કે ના હોય જે વિસ્તારમાં રોડ પર પાણી, ગટર, વીજળી અને ગેસની લાઇનો માટે ખોદકામ થાય એટલે જોખમ. પુરાણ વ્યવસ્થિત કર્યા પછી પણ ભૂવા પડી જાય. એમાંય જો ચોમાસું જામે અને સતત વરસાદ પડે તો જે વિસ્તારમાં માર્ગો પર કામ થયું હોય ત્યાં વિશાળ ભૂવા પડવાની સંભાવના વધી જાય. દર વર્ષે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં અનેક જગ્યાએ રોડ બેસી જાય છે. મોટાં વાહનો ઊતરી જાય એટલા વિશાળ ભૂવા પડે છે.

આ વર્ષે જે વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કે અન્ય એજન્સીઓએ જે માર્ગો પર કામ કર્યુ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે ત્યાં ‘બેનર્સ ‘લગાડ્યાં છે. આ બેનર્સમાં કોર્પોરેશને જાહેર જનતાને ચેતવણી આપી છે કે આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદકામ થયેલું હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની (રસ્તો બેસી જવાની) સંભાવના છે. જેથી રાહદારીઓએ સાવચેતી રાખી અવરજવર કરવી.

નાનાં બાળકો જ્યારે થોડી જોખમી રમતો રમે ત્યારે મોટેથી બૂમો પાડે, વાગે-કરે એના ભોગ. નગરજનો માથું ખંજવાળે છે- આ સૂચના છે, ચેતવણી છે કે સંભાવના.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં કામ પૂર્ણ થયાને પુરાણ કર્યા પછી આવાં બેનર્સ લગાડ્યાં છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અધૂરા કામમાં પણ ચેતવણીઓ મૂકવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)