નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાની પ્રતિકૂળ અસર પામેલું દેશનું અર્થતંત્ર ધીમે-ધીમે સુધરશે. ‘ફિક્કી’ની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગને સંબોધિત કરતાં કેન્દ્રીય બેન્કના વડાએ કહ્યું હતું કે દેશ હજી પણ કોવિડ-19ના પ્રભાવમાં છે અને ધીમે-ધીમે સામાન્ય ગ્રોથ પર પરત ફરશે. તેમણે કહ્યું હતું કે પહેલા ત્રિમાસિકમાં આર્થિક કામગીરી પર પ્રતિકૂળ અસર પડ્યા પછી બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક કામકાજમાં વેગ આવશે.
વિશ્વ બેન્કના એસેસમેન્ટનો હવાલો આપતાં તેમણે કહ્યું હતું કે વિશ્વ સ્તરે રિકવરીમાં વધુ સમય લાગશે. તેમણે ઉદ્યોગ જગતને વિશ્વાસ અપાવ્યો હતો કે આર્થિક ગ્રોથ અને લિક્વિડિટી માટે મધ્યસ્થ બેન્ક જરૂરી પગલાં લેશે. આ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિકમાં ભારતના GDPમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેનું કારણ લોકડાઉન છે. સરકારે કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે માર્ચના અંતિમ સપ્તાહમાં લોકડાઉન જાહેર કર્યું હતું.
તેમણે ઉદ્યોગ જગતને વિશ્વાસ અપાવ્યો હતો કે કોરોનાની અસરનો સામનો કરવા કેન્દ્રીય બેન્ક લડાઈ માટે તૈયાર છે. RBI જરૂરી બધા ઉપાયો કરશે. તેમણે કંપનીઓને કોરોનાને પગલે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા અવસરોનો લાભ ઉઠાવવા પણ કહ્યું હતું.
RBI દ્વારા સતત મોટા પાયે બજારમાં લિક્વિડિટી ઠાલવવામાં આવી છે અને સરકાર નીચા દરે બોરોઇંગ કરી રહી છે. બેન્ક અન્ય ક્ષેત્રોમાં પણ લિક્વિડિટી ઠાલવવા પર કામ કરી રહી છે.
