હોટેલ પચાવી પાડ્યાનો કેસઃ ચિદમ્બરમના પરિવારજનો વિરુદ્ધ સીબીઆઈએ કોર્ટમાં પુરાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ તિરુપુરની એક હોટેલને બળજબરીથી તેના માલિક પાસેથી પડાવી લેવાના કિસ્સામાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કુટુંબીજનો સંડોવાયેલા હોવાનો અહેવાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) દિલ્હી વડી અદાલતમાં સુપરત કર્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB)ની સાથે ષડ્યંત્ર રચીને આ હોટેલ લિલામમાં ખરીદી લેવામાં આવી હતી. 

CBIએ તેના 20 પાનાંના આ અહેવાલમાં કહ્યું છે કે વર્ષ 2007માં ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમનાં પત્ની નલિનીએ તિરુપુરની કમ્ફર્ટ ઇન નામની હોટેલ પોતાનાં બહેન પદ્મિનીને અપાવવા માટે ષડ્યંત્ર ઘડ્યું હતું.

અદાલતને જણાવાયા મુજબ સીબીઆઇએ આ કેસની પ્રાથમિક તપાસને હવે નિયમિત કેસમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે IOB તેના અધિકારીઓની વિરુદ્ધ ફોજદારી ખટલો ચલાવવા માટે મંજૂરી આપી રહી નથી.

આ કેસની વિગતો એવી છે કે ડો. કતિરવેલની માલિકીની કમ્ફર્ટ ઇન હોટેલ મેળવવાની નલિનીનાં બહેન પદ્મિનીની ઇચ્છા હતી, પરંતુ માલિક એ હોટેલ વેચવા તૈયાર ન હતા. આથી ઉક્ત બેન્કના અધિકારીઓની સાંઠગાંઠથી એ હોટેલના અકાઉન્ટને નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે જાહેર કરવામાં આવી હતી અને ઉતાવળે એ હોટલનું લિલામ કરવામાં આવ્યું. હોટેલમાલિકે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેને ગણકારવામાં આવ્યો ન હતો. બેન્કે પરાણે લિલામ કરાવીને પદ્મિનીને માલિક જાહેર કરી દીધાં.

નલિની ચિદમ્બરમે ડો. કતીરવેલની બોલતી બંધ રખાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. તેમણે કરેલાં કૃત્યોની નોંધ દિલ્હી વડી અદાલતમાં 2016માં નોંધાવાયેલી અરજીમાં લેવામાં આવી હતી. ડો. કતીરવેલ વતી એડ્વોકેટ યતીન્દર ચૌધરીએ દલીલ કરી હતી કે તત્કાલીન કેન્દ્રીય નાણાપ્રધાનના પરિવારે સરકારી બેન્ક એટલે કે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની સાથે મળીને હોટેલ કબજે કરી હતી. CBIએ અદાલતને જણાવ્યા મુજબ લિલામમાં પણ ગરબડ કરીને પદ્મિનીએ ઘણી ઓછી બોલી લગાવી હતી. છેલ્લી ઘડીએ ભાવ વધારવામાં આવ્યો. બીજા માત્ર એક જ બિડર હતા, જેમણે લિલામમાં ભાગ લીધો ન હતો.

નલિનીએ કેસ પાછો ખેંચી લેવા માટે કતિરવેલને ચેકથી પૈસા પણ આપ્યા હતા. તેમના અવાજની રેકોર્ડ દિલ્હી વડી અદાલતમાં સુપરત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત છે કે દિલ્હી વડી અદાલતે સીબીઆઇ તપાસ કરાવવાનો આદેશ આપ્યાનાં થોડાં જ સપ્તાહ બાદ 2017માં પદ્મિનીની લાશ મળી આવી હતી. ત્યાર બાદ 2018માં તેમના જમાઈની પણ લાશ ભેદી સંજોગોમાં મળી આવી હતી.

સીબીઆઇએ અદાલતને અહેવાલમાં કહ્યું છે કે નલિનીએ હોટેલમાલિક પર કરેલા દબાણ બાબતે તથા હોટેલના લિલામ માટે અપનાવાયેલી પદ્ધતિ બાબતે તપાસ કરવાની જરૂર છે. હવે બેન્ક તેના અધિકારીઓ વિરુદ્ધ ખટલો ચલાવવા માટે મંજૂરી કેમ આપી રહી નથી, એ એક મોટો સવાલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]