FB આઉટેજ પછી ટેલિગ્રામને સાત-કરોડ નવા યુઝર્સ મળ્યા

નવી દિલ્હીઃ આ સપ્તાહે પ્રારંભમાં વિશ્વભરમાં લોકોએ ફેસબુકની સર્વિસમાં આશરે છ કલાક કાપનો અનુભવ કર્યો હતો. એ સમયે અન્ય એક મેસેજિંગ એપ ટેલિગ્રામે કહ્યું હતું કે ફેસબુકના આઉટેજ દરમ્યાન એને એક દિવસમાં સાત કરોડ નવા યુઝર્સ મળ્યા છે, એવી માહિતી ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડ્યુરોવએ આપી હતી. હાલમાં થોડા દિવસો પહેલાં વિશ્વભરમાં આશરે છ કલાક સુધી ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન હતા.

સોશિયલ મિડિયાની જાયન્ટ કંપની ફેસબુકના વિશ્વભરમાં 3.5 અબજથી વધુ યુઝર્સને અસર કરનારા આઉટેજ માટે એક ખામીયુક્ત કોન્ફ્રિગ્રેશન ચેન્જને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે ડ્યુરોવે એક નિવેદનમાં કહ્યું હતું કે ટેલિગ્રામની દૈનિક ગ્રોથ રેટ માપદંડથી વધુ થઈ ગઈ છે અને અમે એક દિવસમાં સાત કરોડ નવા યુઝર્સ જોડ્યા છે. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કેટલાક યુઝર્સને ધીમી સ્પીડનો સામનો કરવો પડ્યો હશે, પણ મને એ વાતનો ગર્વ છે કેમ કે અમારી ટીમે મોટા ભાગના યુઝર્સ માટે કામ કરવાનું જારી રાખ્યું હતું.

વોટ્સએપ આઉટેજને ટ્રેક કરનારી વેબસાઇટ ડાઉનડિક્ટેક્ટરના જણાવ્યાનુસાર 40 ટકા યુઝર્સ એપ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી અનુભવતા હતા, 30 ટકાને સંદેશા મોકલવામાં અડચણો આવતી હતી અને 22 ટકા લોકોને વેબ વર્ઝનની સમસ્યાઓ હતી.

લોકોએ પોતાની સમસ્યાઓ જણાવવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો, જેમાં મીમ્સ અને GIFs પોસ્ટ કરવું પણ સામેલ હતું. ડ્યુરોવે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે ટેલિગ્રામે 50 કરોડ યુઝર્સ માસિક ધોરણે પાર કરી લીધા હતા.