ભારતના-શ્રીમંતોઃ ટોપ-100માં નવા-6નો ઉમેરો; અંબાણી હજીય નં.1

મુંબઈઃ ફોર્બ્સ મેગેઝિને ભારતના ટોચના 100 શ્રીમંત વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોચનું સ્થાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જાળવી રાખ્યું છે. તેઓ 2008ની સાલથી પહેલા નંબરે રહ્યા છે. આ વર્ષમાં ઘણા ભારતીય શ્રીમંતોની સંપત્તિમાં પુષ્કળ વધારો થયો છે. આ તમામની સહિયારી સંપત્તિ 775 અબજ ડોલરના રેકોર્ડ આંકે પહોંચી છે. આ વ્યક્તિઓની સંપત્તિમાં 50 ટકાનો ઉછાળો આવ્યો હોવાનું ફોર્બ્સે નોંધ્યું છે. 61 શ્રીમંતોએ એમની સંપત્તિમાં એક અબજ ડોલર કે તેથી વધુનો ઉમેરો કર્યો છે.

મુકેશ અંબાણી 92.7 અબજ ડોલર સાથે પહેલા નંબરે છે. અદાણી ગ્રુપના ગૌતમ અદાણી 74.8 અબજ ડોલર સાથે બીજા નંબરે છે. અદાણીએ સતત ત્રીજા વર્ષે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. એચસીએલ ટેક્નોલોજીઝના સ્થાપક શિવ નાદર 31 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે. એમની સંપત્તિમાં આ વર્ષે 10.6 અબજ ડોલરનો વધારો થયો છે.

ચોથા ક્રમે રહેતા રાધાકિશન દામાની (એવેન્યૂ સુપરમાર્ટ્સ – ડીમાર્ટ)ની સંપત્તિ 29.4 અબજ ડોલર છે, જે ગયા વર્ષે 15.4 અબજ ડોલર હતી. એમણે એક વર્ષમાં ભારતમાં નવા 22 ડીમાર્ટ સ્ટોર ખોલ્યા છે. યાદીમાં પાંચમા ક્રમે છે, સાઈરસ પૂનાવાલા, જેમનો આ યાદીમાં ઉમેરો થયો છે. કોવિશીલ્ડ કોરોના-પ્રતિરોધક રસી બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના આ સ્થાપકની કુલ સંપત્તિ છે 19 અબજ ડોલર. ટોપ-10ના અન્યો છેઃ લક્ષ્મી મિત્તલ 18.8 અબજ ડોલર સાથે 6ઠ્ઠા નંબરે, જિંદલ ગ્રુપનાં સાવિત્રી જિંદલ 18 અબજ ડોલર સાથે સાતમા નંબરે, ઉદય કોટક 16.5 અબજ ડોલર સાથે 8મા નંબરે, પલોનજી મિસ્ત્રી 16.4 અબજ ડોલર સાથે 9મા નંબરે અને કુમારમંગલમ બિરલા 15.8 અબજ ડોલર સાથે 10મા નંબરે છે.

ટોપ-100 શ્રીમંતોની યાદીમાં નવા સામેલ થયેલા 6 ઉદ્યોગપતિ છેઃ પ્રભાત લોઢા (42મા નંબરે, 4.5 અબજ ડોલર), અરવિંદ લાલ (87મા નંબરે, 2.55 અબજ ડોલર, ડો. લાલ પેથલેબ્સ), પ્રતાપ રેડ્ડી (88મા નંબરે, 2.53 અબજ ડોલર), અશોક બૂબ (93મા નંબરે, 2.3 અબજ ડોલર, ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી), દીપક મહેતા (97મા નંબરે, 2.05 અબજ ડોલર – દીપક નાઈટ્રાઈટ), યોગેશ કોઠારી (100મા નંબરે, 1.94 અબજ ડોલર – અલ્કાઈલ એમાઈન્સ કેમિકલ્સ)