નવી દિલ્હીઃ દેશમાં વર્તમાન ખાંડ મોસમ 2020-21 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના સાડા ત્રણ મહિનામાં ખાંડનું ઉત્પાદન વધીને 142.70 લાખ ટન નોંધાયું છે. ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં આ વખતે ઉત્પાદન 31 ટકા વધ્યું છે. ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
દેશમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ કુલ 487 સાકર ઉત્પાદન કારખાના કાર્યરત હતા. તેમણે 142.70 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે આંકડો 15 જાન્યુઆરી, 2020ના રોજ 440 સુગર મિલ્સ દ્વારા 108.94 લાખ ટન હતો. આમ આ વખતનું ઉત્પાદન આ જ સમયગાળા માટે ગઈ વેળાની મોસમ કરતાં 33.76 લાખ ટન અથવા 30.98 ટકા વધારે છે. મહારાષ્ટ્રમાં 181 સુગર મિલ્સે 15 જાન્યુઆરી, 2021 સુધીમાં 51.55 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે તો ગુજરાતમાં 15 સુગર મિલ્સે 4.40 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે.