અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી પછી નરમાઈ રહી હતી. સપ્તાહનો છેલ્લો દિવસ હતો, જેથી ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી, જેથી શરૂનો ઉછાળો ધોવાઈ ગયો હતો. સેન્સેક્સ ઉપરના મથાળેથી 235 પોઈન્ટ તૂટ્યો હતો, અને નિફટી ઊંચા લેવલથી 75 પોઈન્ટ ગબડ્યો હતો. ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં ઈન્ડેક્સ હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલી આવી હતી, પરિણામે બીએસઈ સેન્સેક્સ 44.43(0.13 ટકા) ઘટી 33,307.14 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 15.80(0.15 ટકા) ઘટી 10,226.85 બંધ થયો હતો.સવારે એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ ભારતીય શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા, શરૂમાં ગઈકાલની લેવાલી ચાલુ રહી હતી. અને મજબૂતી વધુ આગળ વધી હતી. સેન્સેક્સ વધુ વધીને 33,519 અને નિફટી વધીને 10,296 થયા હતા. પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં ટ્રેડ થયા હતા. જેથી તેજીવાળા ઓપરેટરોએ શેરોની જાતે-જાતમાં ઊંચા મથાળે વેચવાલી કાઢી હતી. સપ્તાહનો છેલ્લો દિવસ હોવાથી પણ કોઈ નવું લેણ લઈને ઘેર જવા રાજી ન હતા. પીએનબી કૌભાંડમાં હજી નવા ફણગા ફૂટશે, એવા ભયે શેરબજારમાં તેજી કરવામાં સાવચેતીનું વાતાવરણ જોવાઈ રહ્યું છે.
- આજે એફએમસીજી, આઈટી અને મિડિયો સેકટરના સ્ટોકમાં તેજી થઈ રહી હતી.
- ભેલને ઝારખંડમાં સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ માટે 11,700 કરોડનો ઓર્ડર મળ્યો છે, જેથી આજે ભેલના સ્ટોકમાં નવી લેવાલી આવી હતી.
- એચજી ઈન્ફ્રાના નવા શેરનું લિસ્ટીંગ નિરસ રહ્યું હતું. બીએસઈ પર એચજી ઈન્ફ્રાના નવા શેર તેની ઈસ્યૂ પ્રાઈઝ 270ના ભાવે જ લિસ્ટ થયો હતો.
- ગુરુવારે એફઆઈઆઈએ કુલ રુ.364 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતુ, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.675 કરોડની ખરીદી કરીને માર્કેટને ટેકો આપ્યો હતો.
- જીએસટી કાઉન્સિલની કાલે શનિવારે બેઠક મળશે, જેમાં ટેક્સ રિટર્ન ભરવા માટે 3ની જગ્યાએ એક જ ફોર્મ ભરવાની વ્યવસ્થાને મંજૂરી મળી શકે છે. તેમજ રીફંડ મળવાની વ્યવસ્થા પણ સરળ કરાશે.
- આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ટેક મહિન્દ્રા(1.98 ટકા), બજાજ ફાઈનાન્સ(1.61 ટકા), એચડીએફસી(1.10 ટકા), ટીસીએસ(1.00 ટકા) અને આઈસર મોટર(0.91 ટકા).
- સૌથી વધુ ગગડેલા શેરઃ ટાટા સ્ટીલ(4.58 ટકા), એક્સિસ બેંક(2.92 ટકા), અદાણી પોર્ટ્સ(2.59 ટકા), યસ બેંક(1.72 ટકા) અને સન ફાર્મા(1.52 ટકા).