સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ઈચ્છા મૃત્યુને સશર્ત આપી માન્યતા

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવતા ઈચ્છા મૃત્યુને કેટલીક શરતોને આધિન માન્યતા આપી છે. આ સાથે જ બંધારણની દ્રષ્ટીએ મૂળભૂત હકો પૈકી એક જીવન જીવવાના હકની કલમ 21ને લગતો આ ચુકાદો અસાધ્ય રોગના દરદીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, ‘જે રીતે લોકોને સમ્માનથી જીવવાનો અધિકાર છે તેમ સમ્માનથી મરવાનો પણ હક્ક છે. અસાધ્ય રોગથી પડાતા વ્યક્તિ કે જેના સારા થવાની કોઈ આશા જ નથી તે નક્કી કરી શકશે કે પોતાને મૃત્યુ ક્યારે જોઈએ છે’. આપને જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે 11 ઓક્ટોબર 2017ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જ્યારે આજે એ અંગે ઈચ્છા મૃત્યુને સશર્ત માન્યતા આપી છે.

ઉલ્લેખનીય છે કે, એક NGO દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 21 અંતર્ગત જે રીતે દેશના નાગરિકને જીવવાનો અધિકાર છે તે રીતે મરવાનો પણ અધિકાર છે. આ અંગે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, કોઈને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી શકાય નહીં. પરંતુ મેડિકલ બોર્ડના નિર્દેશ મુજબ કોઈ મરણાપથારીએ પડેલા વ્યક્તિની સપોર્ટ સિસ્ટમ દૂર કરી શકાય છે.

કોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટની દેખરેખમાં મેડિકલ બોર્ડ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે સમગ્ર પ્રક્રિયા પુરી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગત સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે, ઈચ્છા મૃત્યુ પણ પીડા રહિત હોવી જોઈએ. અને આ માટે એવી પ્રક્રિયા તૈયાર કરવી જોઈએ જેથી દરદીનું મૃત્યુ પીડા રહિત થઈ શકે.