પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મિડકેપ, સ્મોલકેપનો નોંધપાત્ર દેખાવ

નવી દિલ્હીઃ આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય શેરોનું પ્રદર્શનની દ્રષ્ટિએ છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ તેજીમય રહ્યું હતું. જાન્યુઆરીથી જૂન 2024 સુધી નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 10.5 ટકા અને BSE સેન્સેક્સમાં 9.4 ટકાની તેજી થઈ હતી. જોકે આ સમયગાળામાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 25 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 22 ટકાની તેજી થઈ હતી.

આ અર્ધવાર્ષિક ગાળામાં, ઓટો, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ અને PSU જેવાં ક્ષેત્રોના શેરોમાં જોરદાર તેજી થઈ હતી. આ ક્ષેત્રોની કંપનીઓએ માર્ચ, ત્રિમાસિક (નાણાં વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક)માં અપેક્ષાથી વધુ નફો નોંધાવ્યો હતો અને દેશી રોકાણકારોએ આ ક્ષેત્રોના શેરોમાં ધૂમ લેવાલી કાઢી હતી.

સ્થાનિક રોકાણકારોએ આ અર્ધવાર્ષિક ગાળામાં આશરે રૂ. બે લાખ કરોડ શેરબજારમાં ઠાલવ્યા હતા. BSE રિયલ્ટી ઇન્ડેક્સ આ છ મહિનામાં 40 ટકાની તેજી થઈ હતી. ત્યાર બાદ એનર્જી ઇન્ડેક્સ 37 ટકા અને ઓટો ઇન્ડેક્સ 30 ટકા વધ્યા હતા.

નિફ્ટી 50 ઇન્ડેક્સના કુલ 10 શેરોએ છ મહિનામાં 30 ટકાથી વધુની તેજી નોંધાવી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 66 ટકાનો ઉછાળો આવ્યો હતો. ત્યાર બાદ અદાણી પોર્ટ્સ એન્ડ SEZના શેરમાં 44 ટકા અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 43 ટકા તેજી થઈ હતી.

ઉપલબ્ધ આંકડા અનુસાર સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ઘરેલુ શેરબજારોમાં રૂ. 2.3 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જે પાછલા વર્ષની તુલનાએ આશરે ત્રણ ગણું છે. ગયા વર્ષે પહેલા અર્ધવાર્ષિક ગાળામાં DIIએ શેરબજારોમાં રૂ. 86,568 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું., પણ આ વખતે FII છ માસિક ગાળામાં રૂ. 4557 કરોડના ચોખ્ખા વેચવાલ રહ્યા હતા.