મુંબઈઃ ‘એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાનથ્રોપી લિસ્ટ-2023’ અનુસાર, એચસીએલ ટેક્નોલોજીઝના ચેરમેન શિવ નાડર આ યાદીમાં પ્રથમ સ્થાને છે એમણે ભારતના સૌથી મોટા દાનવીરનું બિરુદ સતત ત્રીજા વર્ષે જાળવી રાખ્યું છે. એમણે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 2,042 કરોડનું દાન કર્યું છે. અહેવાલ અનુસાર, નાડરે પ્રતિદિન સરેરાશ 5.6 કરોડ દાનમાં આપ્યા છે.
(ડાબે) શિવ નાડર અને (જમણે) અઝીમ પ્રેમજી
આ યાદીમાં 119 ભારતીયોના નામ છે જેમાં વિપ્રોના અઝીમ પ્રેમજી, ઝરોધાના સહસંસ્થાપક નિખિલ કામથ વગેરેનો સમાવેશ થાય છે. આ 119 ઉદ્યોગપતિઓએ ગત્ નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયા પાંચ કરોડ કે તેથી વધારે રકમનું દાન કર્યું હતું. અઝીમ પ્રેમજીએ રૂ. 1,774 કરોડ દાન કરીને યાદીમાં બીજી રેન્ક હાંસલ કરી છે. નિખિલ કામથ સૌથી યુવાન વયના દાનવીર છે. એમણે રૂ. 110 કરોડનું દાન કર્યું છે. લેખિકા રોહિણી નિલેકણી રૂ. 170 કરોડનું દાન કરીને સૌથી ઉદાર મહિલા દાનવીર તરીકેની નામના પામ્યાં છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પરિવારને યાદીમાં ત્રીજી રેન્ક મળી છે. એમણે રૂ. 376 કરોડનું દાન કર્યું છે. બિરલા ગ્રુપના કુમારમંગલમ બિરલા રૂ. 287 કરોડનું દાન આપીને ચોથા સ્થાને છે જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને એમનો પરિવાર રૂ.285 કરોડનું દાન કરીને પાંચમા ક્રમે છે.