દીકરાની ધરપકડથી શાહરૂખની બ્રાન્ડ-વેલ્યૂને પડ્યો મોટો ફટકો

મુંબઈઃ 23 વર્ષીય પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ સંબંધિત કેસમાં સંડોવણી અને ધરપકડ થતાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂને મોટો ફટકો પડ્યો છે. શાહરૂખની ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. એના ત્રણ વર્ષના બ્રેક બાદ શાહરૂખ ફિલ્મ સેટ પર પાછો ફર્યો છે. પરંતુ, આર્યનની ધરપકડની ઘટનાને કારણે એની નવી ફિલ્મ ‘પઠાણ’ તથા એક અન્ય ફિલ્મનું શૂટિંગ અનિશ્ચિત સમય સુધી અટકાવી દેવામાં આવ્યું છે. ‘પઠાણ’માં શાહરૂખ અને દીપિકા પદુકોણની ભૂમિકા છે.

ટ્વિટર વેબસાઈટ પર શાહરૂખ સંબંધિત બ્રાન્ડ્સનો બહિષ્કાર કરવાની હાકલ કરતું હેશટેગ #Boycott_SRK_Related_Brands જોરદાર રીતે ટ્રેન્ડમાં છે. આને કારણે BYJUના એડ્યૂટેક પ્લેટફોર્મે હાલપૂરતું શાહરૂખ ખાનને દર્શાવતી તમામ જાહેરખબરો સસ્પેન્ડ કરી દીધી છે. શાહરૂખ 2017ની સાલથી BYJUનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સોશિયલ મિડિયા પર શાહરૂખ ટ્રોલ થવાનું શરૂ થતાં BYJU કંપનીએ શાહરૂખની જાહેરખબરોને પ્રદર્શિત કરવાનું બંધ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે આ જાહેરખબરોમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશેની વાતો કરાતી હતી. આવી જ રીતે, વિમલ ઈલાયચી બ્રાન્ડે તેની નવી એડ ફિલ્મમાંથી શાહરૂખને દૂર કર્યો છે અને અજય દેવગનને ચાલુ રાખ્યો છે. આ ઉપરાંત ડીડેકોર, બિગ બાસ્કેટ, એલજી વગેરે બ્રાન્ડે પણ નવી જાહેરખબરમાં શાહરૂખને ચમકાવવાનું મોકૂફ રાખ્યું છે.

શાહરૂખ ખાનની  બ્રાન્ડ વેલ્યૂ રૂ. 378 કરોડ હોવાનું મનાય છે. એ 40 જેટલી બ્રાન્ડને પ્રમોટ કરે છે. દરેક બ્રાન્ડના પ્રચાર માટે એ આશરે રૂ. 4 કરોડની ફી લે છે. ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા મુજબ, શાહરૂખની કુલ સંપત્તિ રૂ. 5,116 કરોડ છે.