ગણપત યુનિવર્સિટીને NRI પરિવાર દ્વારા રૂ.પાંચ-કરોડનું દાન

મહેસાણાઃ મૂળ મહેસાણાના કડી શહેરના વતની NRI ભૂપેશ પરીખ અને તેમનાં પત્ની શ્રીમતી કુમુદબહેનને હસ્તે ગણપત યુનિવર્સિટી-ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કોલેજ સ્થાપવા માટે રૂપિયા પાંચ કરોડ જેવી માતબર રકમનું દાન મળ્યું છે, જે થકી “કુમુદ એન્ડ ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ”ની સ્થાપના ગણપત યુનિવર્સિટી દ્વારા થશે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેકનોલોજીવાળા અને સંપૂર્ણ સુવિધાસભર ક્લાસરૂમ તેમ જ ઇમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે. આ નર્સિંગ કોલેજ રાજ્યમાં સ્થપાયેલા અન્ય નર્સિંગ કોલેજ કરતાં ભિન્ન અને શ્રેષ્ઠતમ હશે, જેનો લાભ ગુજરાત અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે.

ભૂપેશ પરીખ અને તેમના પત્ની છેલ્લા છ દાયકાથી અમેરિકામાં વસે છે. પરીખ માનવું છે કે સમાજના દરેક વર્ગના યુવાનો અને યુવતીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું એકમાત્ર માધ્યમ યુનિવર્સિટી છે- જેથી તેમણે પોતાનું દાન યુનિવર્સિટીને આપ્યું છે. પરીખ પરિવાર શિક્ષણપ્રેમી છે અને એવું માને છે કે સુસંચાલિત કોલેજ કે યુનિવર્સિટીઓ મધ્યમ અને નીચલા વર્ગના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી તેમના ભવિષ્ય માટે મોટી તકો ઊભી કરે છે.

અમેરિકા સ્થિત  ગ્લેન્ડેલ કોમ્યુનિટી કોલેજ સાથે ગણપત યુનિવર્સિટીએ તાજેતરમાં વૈશ્વિક હેલ્થ કેર શિક્ષણ માટે Expression of Interestના કરાર પણ કરેલા છે, જે થકી “કુમુદ એન્ડ ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ’માં ભણતા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યલક્ષી વૈશ્વિક શિક્ષણ મળશે.

પરીખ અને પરિવાર તરફથી મળેલા દાનનો સ્વીકાર કરતા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ, પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, પ્રો વાઇસ ચાન્સેલર અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ. અમિત પટેલ, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો  અને યુનિવર્સિટીનો પરિવાર આભાર વ્યક્ત કરે છે અને તેમના પરિવારના તમામ સભ્યો માટે સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરે છે.