68 ઈક્વિટી ફંડમાં નેગેટિવ થયું એક વર્ષનું રિટર્ન

નવી દિલ્હીઃ આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં શેરબજારમાં આવેલી નરમાશને લઈને કેટલાક ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડમાં એક વર્ષનું એસઆઈપી રિટર્ન નેગેટિવ થયું છે. વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર 215 ઈક્વિટી ફંડ સ્કીમોમાં 68 સ્કીમોનું એક વર્ષનું રિટર્ન નેગેટિવ થયું છે.

રોકાણકારોને રીલાયન્સ વિઝન ફંડ, મોતીલાલ ઓસવાલ 30, બીએનપી પારિબા મિડકેપ ફંડ, ફ્રેંકલિન ઈંડિયા બ્લૂચિપ ફંડ અને એચડીએફસી ટોપ 200ના એક વર્ષ જૂના એસઆઈપી પર 2 થી 9 ટકા નેગેટિવ રિટર્ન મળ્યું છે.

જે રિટેલ ઈન્વેસ્ટર્સે મે 2016 અને 2017 વચ્ચે મ્યૂચ્યુઅલ ફંડમાં પૈસા લગાવ્યા હતા તેમને એક વર્ષ જૂના એસઆઈપી પર પહેલી વાર નેગેટિવ રિટર્ન મળ્યું છે. આ પહેલા રોકાણકારોને કેલેન્ડર વર્ષ 2015ના પહેલા ચાર મહિનામાં શરૂ કરવામાં આવેલા એસઆઈપી પર 2016ની શરૂઆતમાં નેગેટિવ રિટર્ન મળ્યું હતું.

આદિત્ય બિરલા સન લાઈફ મ્યૂચ્યુઅલ ફંડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર એ બાલા સુબ્રમણ્યમે જણાવ્યું કે ઈક્વિટી માર્કેટમાં ઉતાર ચઢાવ તો આવતો જ રહે છે. રોકાણકારો લોન્ગ ટર્મ ગોલ પુરો કરવા માટે એસઆઈપી પસંદ કરે છે અને આમાં ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખવું જોઈએ. તેમને નજીકના ભવિષ્યમાં થનારા ઉતાર ચઢાવ અને સામાન્ય નેગેટિવ રિટર્નને લઈને ચિંતા કરવાની જરૂર નથી.