‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા 1 નવેમ્બરના રવિવારે સંયુક્તપણે આયોજીત ‘Save, Invest and Prosper’ થીમ સાથેના વિશેષ વેબિનારમાં દર્શકોએ આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી હાલના આર્થિક મુશ્કેલીના સમયમાં ઈમરજન્સી ફંડ અને હેલ્થ ઈન્સ્યોરન્સનું કેટલું મહત્ત્વ છે અને એનું પ્લાનિંગ કઈ રીતે કરી શકાય એ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.
આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટર એજ્યુકેશન પહેલ અંતર્ગત સેમિનાર/વેબિનારની શ્રેણીમાં આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિત્ય બિરલા સન લાઈફ AMC લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન ડેવલપમેન્ટ વિભાગના વડા કે.એસ. રાવે કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું હતું કે દુનિયામાં દર વર્ષે 31 ઓક્ટોબરનો દિવસ ‘વર્લ્ડ સેવિંગ્સ ડે’ (વિશ્વ બચત દિવસ) તરીકે ઉજવાય છે. રાવે ત્યારબાદ વિવિધ સ્લાઈડ્સ સાથે એક પ્રેઝન્ટેશન રજૂ કરીને આવક, બચત અંગે વિશેષ જાણકારી આપી હતી. પ્રેઝન્ટેશનની એક સ્લાઈડમાં તેમણે SIP વિશે સમજ આપી હતી. નોંધનીય છે કે, આ વેબિનારનો વિષય પણ એ જ હતો Save, Invest, Prosper… તો શું એ વિચારીને આ ઓર્ડર મૂકવામાં આવ્યો છે? એના જવાબમાં રાવે કહ્યું કે SIPનો મતલબ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. જિંદગી એક સફર ગણાય છે અને એવું જ મૂડીરોકાણનું છે. પહેલાં એનું આયોજન કરવું પડે. શરૂઆતમાં બચત આવે, ત્યારબાદ ઈન્વેસ્ટમેન્ટ આવે અને છેલ્લે, એને પગલે સમૃદ્ધિ આવે એવું મારું માનવું છે. પહેલા બીજ વાવો, પછી એનો છોડ ઉગે અને પછી એમાંથી જે પ્રાપ્ત થાય એનું ભોજન બને.
લાંબા ગાળાની સમૃદ્ધિનું સર્જન કરવું હોય તો પહેલાં શું કરવું જોઈએ? એવા કાર્યક્રમના સંચાલક અને પર્સનલ ફાઈનાન્સ ક્ષેત્રના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદીના સવાલના જવાબમાં જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે, સૌથી પહેલા તો લક્ષ્ય નક્કી કરવું પડે છે. તે પછી શ્રદ્ધાથી, શિસ્તથી આગળ વધવું પડે. ટેક્સી કે રિક્ષામાં બેસીએ ત્યારે જો એને કહીએ નહીં કે આપણે ચોક્કસ ક્યાં જવું છે તો એ ડ્રાઈવર આપણને ગોળ-ગોળ ઘુમાવે અને એના લક્ષ્ય પ્રમાણે પૈસા કમાઈ લે. આમ, જે લોકો પોતાના ધ્યેય માટે કામ ન કરે, એ વાસ્તવમાં બીજાઓના ધ્યેય માટે કામ કરતા હોય છે.
અમિત ત્રિવેદીએ ઈમરજન્સી ફંડ (તાકીદનું ભંડોળ) અને હેલ્થ ઈન્શ્યોરન્સ (આરોગ્ય વીમો)નો મુદ્દો ઉભો કર્યો હતો અને કહ્યું કે આ બંનેનું મહત્ત્વ શું છે અને એ બંનેને ભેગા કરવા માટે શું કરવું જોઈએ? કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
એના જવાબમાં મશરૂવાળાએ કહ્યું કે, ઈમરજન્સી ફંડ હોવું બહુ જ જરૂરી છે. કારણ કે, ઈમરજન્સી પરિસ્થિતિ એવી હોય છે જે ક્યારેય કહીને નથી આવતી પછી એ રોગચાળો હોય, જોબ લોસ હોય કે પગારમાં કપાત હોય કે કોઈ બીમારી આવી ગઈ હોય. તે છતાં ગુજરાતીમાં કહેવત છે કે જાગ્યા ત્યાંથી સવાર. એટલે અત્યારથી જ ઈમરજન્સી ફંડ એકઠું કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. હેલ્થ વીમા વિશે હું એટલું કહીશ કે એનું મહત્ત્વ રોગચાળા માટે જ નહીં, પણ કાયમને માટે હોય છે. ઘણા લોકોને નોકરીમાં જ આરોગ્ય વીમાનું કવચ મળતું હોય છે. હાલમાં જ કોરોનાવાઈરસને કારણે ઘણાએ નોકરી ગુમાવી છે. એની સાથે જ એમણે આરોગ્ય વીમાનું કવચ પણ ખોઈ દીધું. તેથી મહેરબાની કરીને ઈમરજન્સી ફંડ તૈયાર કરવામાં અને હેલ્થ ઈન્શ્યોરન્સની બાબતમાં કોઈએ બેદરકારી રાખવી નહીં. હવે તો હેલ્થ વીમા માટે નવી નવી પોલિસી આવતી હોય છે.
આ સંદર્ભમાં અમિત ત્રિવેદીએ કહ્યું કે ઈમારતનો પાયો મજબૂત ન હોય તો એનું ચણતર પણ મજબૂત ન રહે. એટલે જ નાણાકીય આયોજન માટે ઈમરજન્સી ફંડ જરૂરી છે. જેટલી મોટી ઈમારત હોય એટલો ઊંડો એનો પાયો નાખવો પડે.
મ્યુચ્યુઅલ ફંડમાં એવી કોઈ ટાઈપની સ્કીમ છે જેનો ઉપયોગ ઈમરજન્સી ફંડ માટે કરી શકાય? એવા સવાલના જવાબમાં કે.એસ. રાવે કહ્યું કે, મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ વ્યક્તિ ઈન્વેસ્ટ કરી શકે છે. કોઈ પણ સ્કીમમાં પૈસા રોકી શકાય, પણ એવ સ્કીમમાં રોકવા જોઈએ કે જેથી જરૂર પડે ત્યારે આસાનીથી ઉપલબ્ધ બની રહે.
કાર્યક્રમના આરંભમાં ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ ત્રણેય પેનલિસ્ટ તથા દર્શકોનું સ્વાગત કર્યું હતું. ત્રિવેદીએ નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો. કાર્યક્રમને અંતે અમિત ત્રિવેદીએ ‘ચિત્રલેખા’ અને ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’નો આભાર માન્યો હતો.
સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ