PNBમાં રુ.11,330 કરોડનો ગોટાળોઃ 10 કર્મચારી સસ્પેન્ડ, સીબીઆઈએ નોંધી FIR

મુંબઈ– પંજાબ નેશનલ બેંકમાં 11,330 કરોડ રુપિયાનો ગોટાળો પકડાયો છે. આ મામલામાં બેંકના 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. બેંકના કર્મચારી દ્વારા કેટલાક પસંદગીના એકાઉન્ટ હોલ્ડરોને ફાયદો પહોંચાડ્યો હતો. પંજાબ નેશનલ બેંકે બુધવારે બીએસઈને આ વાત જણાવી હતી. ત્યાર બાદ સીબીઆઈએ પીએનબીના ગોટાળાની તપાસ બાદ બેંક અને ડાયમંડ વેપારી નિરવ મોદી સહિત કેટલાય ટોપના જ્વેલર્સ વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરી છે. તેના આધારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસ નોંધ્યો છે, અન વધુ તપાસ હાથ ધરી છે.બેંકના કહેવા અનુસાર આ ટ્રાન્ઝક્શનના આધાર પર વિદેશમાં કેટલીક બેંકોના તેમના પસંદગીના એકાઉન્ટ હોલ્ડરોને લોન આપી છે. આ એકાઉન્ટ કેટલા હતા, કેટલા લોકોને ફાયદો પહોંચાડ્યો છે, તેની સ્પષ્ટતા હજી આવી નથી. આ મામલો 2011 ની સાલનો છે. સેબી પણ શેરબજારમાં લિસ્ટેડ કેટલીક કંપનીઓ સામે જાણકારી છુપાવવાના મામલામાં તપાસ શરુ કરી શકે છે.

કહેવાઈ રહ્યું છે કે આ પુરો મામલો લેટર ઓફ અંડરટેકિંગ(એલઓયુ)ના માધ્યમથી અંજામ આપવામાં આવ્યો છે. આ એક ગેરંટી હોય છે, જેના આધાર પર બીજી બેંક એકાઉન્ટ હોલ્ડરને પૈસા ચુકવવાના હોય છે. જો આ એકાઉન્ટ હોલ્ડર ડિફોલ્ટ થાય તો એલઓયુ આપનારી બેંકની પૈસા જમા કરાવાની જવાબદારી હોય છે. તે સંબધિત બેંકને રકમ ચુકવી આપે. પીએનબીના મામલામાં સંદિગ્ધ ટ્રાન્ઝક્શન બેંક અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત દ્વારા આ ગોટાળો કરવામાં આવ્યો છે.

પીએનબીએ ભલે બીજા લેન્ડર્સના નામનો ઉલ્લેખ નથી કર્યો, પણ સમજાય છે કે પીએનબી દ્વારા એલઓયુના આધાર પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, અલહાબાદ બેંક અને એક્સિસ બેંકને ક્રેડિટ ઓફર કરી હતી.

ન્યૂઝ એજન્સીના રીપોર્ટ અનુસાર બેંકે આ મામલામાં 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. બેંકિંગ સેક્રેટરી રાજીવ કુમારના કહેવા અનુસાર સરકાર આ મામલામાં નજર રાખી રહી છે. જો જરૂર પડશે તો ફોરેન્સિક ઓડિટનો આદેશ પણ આપી શકે છે. ફાઈનાન્સિયલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી લોક રંજનનું કહેવું હતું કે હું નથી માનતો કે આ મામલો અકુંશ બહાર જતો રહ્યો. જેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

પીએનબીમાં 11,330 કરોડ રુપિયાના ગોટાળા મામલો સામે આવતાં નાણા મંત્રાલયે તમામ બેંકો પાસેથી આ મામલામાં જોડાયેલ બાબતો પર રીપોર્ટ માંગ્યો છે. મંત્રાલયે આ સપ્તાહના અંત સુધીમાં સ્ટેટસ રીપોર્ટ આપવા કહ્યું છે.