PNB મહાકૌભાંડઃ મુખ્ય આરોપી નીરવ મોદી પર EDની તવાઈ

નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ મામલે મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈડીએ નીરવની 10-12 જગ્યાઓ પર રેડ પાડી છે. 11,300 કરોડ રૂપીયાના આ ફ્રોડમાં સીબીઆઈએ 31 જાન્યુઆરીના રોજ એક એફઆઈઆર દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીરવ મોદી અત્યારે દેશની બહાર છે.

ઈડીએ મુંબઈમાં નીરવના ઘર પર પણ છાપેમારી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફ્રોડ મામલે થોડા જ સમયમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઈડી પણ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ ગોટાળો કથિત રુપે નીરવ મોદીએ કર્યો છે. આ ગોટાળામાં ઘણી મોટી જ્વેલર કંપનીઓ પણ તપાસ એજંસીઓની તપાસના વર્તુળમાં આવી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાર મોટી જ્વેલર કંપનીઓ જેવીકે ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર અને નીરવ મોદી તપાસના દાયરામાં છે. સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલય વિવિધ બેંકો સાથે તેમની સાંઠગાંઠ સહિત અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છે. જો કે આ કંપનીઓની હજીસુધી કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર નાણામંત્રાલય દ્વારા સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યો છે કે સમગ્ર મામલે કોઈપણ દોષીત વ્યક્તિ બચવા ન જોઈએ અને ઈમાનદાર કરદાતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પહોંચવી જોઈએ.