રિલાયન્સના કર્મચારીઓ-પરિવારજનોનો કોરોના-રસીકરણનો ખર્ચ કંપની ઉઠાવશે

મુંબઈઃ દાનેશ્વરી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થાનાં અધ્યક્ષા અને સ્થાપક નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપની કંપનીઓના તમામ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો છે અને એમને વિનંતી કરી છે કે તેઓ તથા એમના પરિવારજનો ભારત સરકારે હાથ ધરેલા કોરોના વાઈરસ રસીકરણ કાર્યક્રમમાં જોડાવા પોતાનાં નામ નોંધાવે. તમામ કર્મચારીઓ, એમના જીવનસાથી, માતા-પિતા તથા સંતાનો માટેનો રસીકરણ ખર્ચ કંપની ઉઠાવશે એમ પણ તેમણે જણાવ્યું છે. (રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં બધા મળીને કુલ આશરે છ લાખ જેટલા કર્મચારીઓ છે અને એમનાં પરિવારજનો સાથે મળીને આ સંખ્યા 19 લાખ પર પહોંચે)

નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં નોન-એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પણ છે, તેમણે ઈમેલમાં જણાવ્યું છે કે, ‘આપણા પરિવારના સ્વાસ્થ્ય તથા આનંદ જળવાઈ રહે તે રિલાયન્સ પરિવારનો જ એક ભાગ ગણાય. તમારા સૌનાં સાથ વડે આપણે આ રોગચાળાને ભૂલાવી દેવા માટે ટૂંક સમયમાં જ સમર્થ બનીશું. ત્યાં સુધી સુરક્ષામાં કોઈ પ્રકારની કચાશ રાખશો નહીં. સલામતી તથા સ્વચ્છતાની અત્યંત કાળજી લેવાનું ચાલુ જ રાખશો. આપણે આ સહિયારી લડાઈના આખરી તબક્કાઓમાં આવ્યાં છીએ. સાથે મળીને આપણે જીતી જ જઈશું.’