નવી દિલ્હીઃ ICC આજે T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય લેશે, તેના એક દિવસ પહેલાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ વૈશ્વિક ક્રિકેટ સંસ્થાને એક ઈમેલ લખીને જણાવ્યું છે કે તે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના આ વલણને સમર્થન આપે છે કે પડોશી દેશમાં રાજકીય અસ્થિરતા દરમિયાન ભારત જઈને રમવું જોઈએ નહીં.
PCBએ આ ઈમેલ ICC બોર્ડના સભ્યોને પણ મોકલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ICCએ બુધવારે એક બોર્ડ બેઠક બોલાવી છે, જેમાં BCBની માગ પર ચર્ચા કરવામાં આવશે. BCBએ ભારતની સુરક્ષા સંબંધી ચિંતાઓને કારણે બાંગ્લાદેશના મેચોને શ્રીલંકામાં ખસેડવાની માગ કરી છે. PCBના ઈમેલને કારણે આ બેઠક બોલાવવામાં આવી છે કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
PCBના ઈમેલથી ICCના વલણ પર અસર નહીં પડે
PCBના ઈમેલથી ICCના વલણ પર અસર પડવાની સંભાવના નથી. ICC વર્લ્ડ કપના શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવા માગતી નથી. તે બાંગ્લાદેશની મેચોને ટુર્નામેન્ટના સહ-યજમાન શ્રીલંકામાં ખસેડવા ઇચ્છતી નથી. ICC આ મુદ્દે અડગ છે અને ગયા અઠવાડિયે થયેલી વાતચીત દરમિયાન તેણે BCBને પણ આ જ વાત સ્પષ્ટ કરી હતી.
ICC અને BCB બંને પોતાના વલણ પર અડગ
બાંગ્લાદેશ સરકારે સમર્થન આપ્યા બાદ BCBએ ગ્રુપ સ્ટેજના મેચો માટે ટીમને ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. આ મુદ્દે ICC અને BCB વચ્ચે અનેક વખત ચર્ચા થઈ ચૂકી છે. ગયા અઠવાડિયે ઢાકામાં પણ આ અંગે ચર્ચા થઈ હતી, પરંતુ બંનેમાંથી કોઈ પણ પોતાનું વલણ બદલવા તૈયાર નથી. ICCનું કહેવું છે કે મેચો પૂર્વનિર્ધારિત યોજના મુજબ જ થવી જોઈએ, જ્યારે BCBનું કહેવું છે કે તે પોતાની ટીમને ભારત મોકલી શકતું નથી. ટુર્નામેન્ટ શરૂ થવાને ત્રણ સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી હોય ત્યારે 21 જાન્યુઆરીને અંતિમ નિર્ણય માટેની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.




