સોલર-એનર્જી-સેક્ટરમાં એન્ટ્રી કરી રિલાયન્સ આપશે ચીનને ટક્કર

મુંબઈઃ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)  હવે સોલર બિઝનેસમાં મોટા પાયે ઝંપલાવવાની છે. અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્ત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચીનની ચાઈના નેશનલ કેમિકલ કોર્પ (કેમચાઈના) પાસેથી 1-1.20 અબજ ડોલરમાં નોર્વેના સોલર મોડ્યૂલ ઉત્પાદક REC ગ્રુપને હસ્તગત કરવાની તૈયારીમાં છે. REC ગ્રુપ યૂરોપમાં સૌર ઊર્જાની પેનલ્સ બનાવતી સૌથી મોટી કંપની છે. આ કંપની ખરીદવા માટે રિલાયન્સે ચાઈના નેશનલ કેમિકલ કોર્પ સાથે વાટાઘાટ શરૂ કરી છે. બંને કંપની આ માટેનો કરાર લગભગ એક અબજ 20 કરોડ ડોલરમાં કરે એવી માહિતી છે.

REC ગ્રુપને હસ્તગત કરવાથી રિલાયન્સ ગ્રુપ સોલર એનર્જી સેક્ટરમાં પોતાનું વિસ્તરણ કરશે, અત્યાધુનિક ટેક્નોલોજી ક્ષેત્રમાં સામેલ થશે અને એની વૈશ્વિક ક્ષમતાઓ વધશે. REC ગ્રુપનું હેડક્વાર્ટર નોર્વેમાં છે. તેનું રજિસ્ટ્રેશન સિંગાપોરમાં કરાયું છે. REC ગ્રુપ ચીનની સરકારી કેમિકલ કંપની કેમચાઈનાની ઈન્ટરનેશનલ મેમ્બર છે. રિલાયન્સ ક્લીન એનર્જી સેક્ટરમાં રૂ. 75,000 કરોડ નાખવાની છે અને તેના ભાગરૂપે જ એ કેમચાઈના પાસેથી REC ગ્રુપ ખરીદવા માગે છે. સોદાની રકમ ચૂકવણી મુદ્દે 500-600 કરોડ ડોલર ઊભા કરવા માટે વૈશ્વિક સ્તરની બેન્કો સાથે વાટાઘાટ ચાલે છે જ્યારે બાકીની રકમ ઈક્વિટી મારફત ઊભી કરાશે. ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ રીન્યૂએબલ એનર્જી વિક્સાવવા સજ્જ થઈ ગયું છે. આમાં 100 ગીગાવોટ સોલર એનર્જી હશે.