દીપિકા ફરી હોલીવુડમાં; કરશે ફિલ્મનું સહ-નિર્માણ

મુંબઈઃ અભિનેત્રી દીપિકા પદુકોણે તેની નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ ઈરોસ STX ગ્લોબલ કોર્પોરેશનના વિભાગ STX ફિલ્મ્સના નિર્માણવાળી બે સંસ્કૃતિ વચ્ચેની રોમેન્ટિક-કોમેડી હશે. દીપિકા 2017માં હોલીવુડ એક્ટર વિન ડિઝલની ‘xXx: Return of Xander Cage’ ફિલ્મમાં ચમકી હતી. નોંધવા જેવી વાત એ છે કે હોલીવુડની આ નવી ફિલ્મમાં દીપિકા એક્ટિંગ નહીં કરે, પણ એ સહ-નિર્માત્રી હશે. તેની ‘કા પ્રોડક્શન્સ’ કંપની આ ફિલ્મનું સહ-નિર્માણ કરશે. STX ફિલ્મ્સ આ ફિલ્મના નિર્માણ માટે અન્ય કંપનીઓ સાથે પણ વાટાઘાટ કરી રહી છે.

દીપિકા 2020માં હિન્દી ફિલ્મ ‘છપાક’ સાથે નિર્માત્રી બની હતી. એની નવી હિન્દી ફિલ્મ આવી રહી છે ‘ધ ઈન્ટર્ન’. એમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ ભૂમિકા કરવાના છે. આ ફિલ્મ આ જ ટાઈટલ સાથે અગાઉ આવેલી હોલીવુડ ફિલ્મની હિન્દી રીમેક હશે.