કેટલાંક રાજ્યોમાં ત્રીજી લહેરના પ્રારંભિક સંકેતોઃ ડો. પાંડા

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના રોગચાળાની ત્રીજી લહેરના પ્રારંભિક સંકેત મળ્યા છે અને જે રાજ્યોએ બીજી લહેરની તીવ્રતાનો અનુભવ નથી કર્યો, ત્યાં પણ કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં એપિડમાયોલોજી અને કોમ્યુનિકેબલ ડિસીઝના વડા ડો. સમીરન પાંડાએ કહ્યું હતું.

તેમણે કોરોના કેસો સંદર્ભે સંપૂર્ણ દેશની વાત કરવાને બદલે રાજ્યવાર કોરોનાના કેસો વિશે વાત કરી હતી, કેમ કે દરેક રાજ્ય એકમેકથી ભિન્ન છે, જેથી કેટલાંય રાજ્યોએ દિલ્હી અને મહારાષ્ટ્ર પાસેથી બોધપાઠ ગ્રહણ લેતાં જલદી નિયંત્રણો લગાડવા શરૂ કર્યાં હતાં અને રસીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દેશનાં કેટલાંક રાજ્યોમાં બીજી લહેર એટલી તીવ્ર નહોતી, પણ હાલમાં એ રાજ્યોમાં ત્રીજી લહેરને લીધે સંક્રમણ ફેલાવાની ભીતિ છે.

દરેક રાજ્યોએ કોરોના કેસોની સંખ્યા અને રોગચાળાની બીજી લહેરની તીવ્રતાને ધ્યાનમાં રાખતાં ત્રીજી લહેરની સંભાવના અને એ માટેની વ્યૂહરચના સાથે રોગચાળાની તૈયારી વિશેલે નિર્ણય લેવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યોએ સ્કૂલો શરૂ કરવા માટે ગભરાવાની જરૂર નથી, પણ ચોથા રાષ્ટ્રીય સીરો સર્વેમાં સ્પષ્ટ માલૂમ પડે છે કે 50 ટકાથી વધુ બાળકો સંક્રમિત છે, જ્યારે વયસ્કોમાં સંક્રમણનું પ્રમાણ થોડું ઓછું છે, જેથી બિનજરૂરી ગભરાવાની જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે ત્રીજી લહેર પહેલાં શિક્ષકો, માતાપિતા, સહાયક કર્મચારીઓ, બસ ડ્રાઇવરો અને કન્ડક્ટર્સને રસી આપી દેવામાં આવી જોઈએ, જેથી સ્કૂલો સુરક્ષિત રીતે ખોલી શકાય, એમ તેમણે કહ્યું હતું.