ટેસ્લાની ઈલેક્ટ્રિક કારના ચાર-મોડેલને ટ્રાન્સપોર્ટ વિભાગની મંજૂરી

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક વાહનો બનાવતી અને ક્લીન એનર્જી ઉત્પાદક અમેરિકન કંપની ટેસ્લા ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં એન્ટ્રી કરવાની દિશામાં એક ડગલું આગળ વધી છે. કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ વિભાગે ટેસ્લાના ચાર મોડેલની કારને મંજૂરી આપી છે. જોકે ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ‘વાહન’ પોર્ટલ પર આ ચાર મોડેલની જાણકારી નથી. ટેસ્લા ફેન ક્લબે ટ્વિટર પર જણાવ્યું છે કે, ટેસ્લાના ચાર વેહિકલ વેરિઅન્ટ્સને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. આ ચાર મોડેલના નામ હજી જાણવા મળ્યા નથી. ટેસ્લા કંપનીના પ્રવક્તા તરફથી પણ આ વિશે હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. કોઈ પણ ભારતીય કે વિદેશી ઓટોમોબાઈલ ઉત્પાદકે તેના વાહનોને ભારતમાં વિધિવત્ લોન્ચ કરતા પહેલાં સ્થાનિક સ્તરે આવશ્યક પ્રમાણપત્રો મેળવવા જરૂર હોય છે. અબજોપતિ ઈલોન મસ્કના નેતૃત્ત્વાળી ટેસ્લાએ ગયા વર્ષે તેની ભારતીય એકમની સ્થાપના કરી હતી જેનું નામ છે – ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રા.લિ. ભારતમાં ઈલેક્ટ્રિક કાર વેચવાના ઈરાદા સાથે તેણે ભારતીય પેટા-કંપની સ્થાપી છે. કેલિફોર્નિયામાં મુખ્યાલય ધરાવતી આ કંપનીએ આ માટે ભારતમાં સિનિયર સ્તરે એક્ઝિક્યૂટિવ્સને રોકવાની શરૂઆત પણ કરી દીધી છે.

આ મંજૂરીનો મતલબ એ નથી થતો કે કંપની ભારતમાં તેના વાહનો તત્કાળ લોન્ચ કરી શકશે. ટેસ્લાના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર મસ્કે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ટેસ્લા ચોક્કસપણે 2021માં ભારતમાં પ્રવેશ કરશે.

સંપૂર્ણ રીતે તૈયાર કરાયેલા વાહનો પર ભારત 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાદે છે. મસ્કે ગયા વર્ષે કમેન્ટ કરી હતી કે ભારતમાં ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક વાહનો પર બહુ ઊંચા કરવેરા છે જેને કારણે ટેસ્લાને ભારતમાં તેના વાહનો વેચવામાં અવરોધ નડે છે. મર્સિડીઝ બેન્ઝ અને ઔડી જેવી અન્ય વિદેશી લક્ઝરી વાહન ઉત્પાદક કંપનીઓએ ભારતમાં તેમના ઈલેક્ટ્રિક વાહનો વેચવાની ક્યારની શરૂઆત કરી દીધી છે. તેઓ પૂરેપૂરી ઈમ્પોર્ટ ડ્યૂટી ભરીને એમના પૂરા તૈયાર કરાયેલા વાહનોની ભારતમાં આયાત કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]