નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે ગુરુવારે લોન બોરોઅર્સને મોટી રાહત આપી છે. RBIની ધિરાણ સમિતિ MPCએ સર્વસંમતિથી રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે રેપો રેટ 6.5 ટકાએ છે. સતત છ વાર રેપો રેટમાં વધારો કર્યા પછી RBIએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણ કર્યો છે. RBI ગવર્નરે સ્પષ્ટ કર્યું હતું કે MPC આવનારી બેઠકોમાં જરૂરત પડશે તો આગામી પગલાં ભરવામાં સંકોચ નહીં કરે. તેમણે કહ્યું હતું કે MPCએ માત્ર આ બેઠકમાં રેપો રેટમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
રેપો રેટમાં વધારો નહીં કરવાના નિર્ણયનો માર્કેટ પર સકારાત્મક અસર પડી છે. આ એલાન પહેલાં સેન્સેક્સ-નિફ્ટી ઘટ્યા હતા, પણ રેપો રેટ સ્થિર રાખવાના નિર્ણયથી એમાં શાનદાર તેજી આવી છે.RBIએ કહ્યું હતું કે MPCના છમાંથી પાંચ સભ્યોએ ઉદાર વલણ પરત લેવા માટે મત વ્યક્ત કર્યો હતો. RBIની ધિરાણ નીતિની સમિતિ MPCની મીટિંગ 3, 5 અને છ એપ્રિલે થઈ હતી.શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બેન્કે અંદાજ માંડ્યો છે કે નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિદર 6.5 ટકા રહેવાની શક્યતા છે. RBIના અંદાજ અનુસાર 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર 7.8 ટકા, બીજા ત્રિમાસિકમાં 6.2 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 6.1 ટકા અને ત્રીજા ત્રિમાસિકમાં 5.9 ટકા રહેવાની શક્યતા છે.
મોંઘવારી ઘટવાનું અનુમાન
RBIએ ચાલુ નાણાં વર્ષમાં રિટેલ મોંઘવારી દરનો અંદાજ 5.3 ટકાથી ઘટીને 5.2 ટકા કર્યો છે. RBIએ નાણાકીય વર્ષમાં પહેલા ત્રિમાસિકમાં રિટેલ મોંઘવારીનો દર 5.1 ટકા, બીજા ત્રિમાસિકમાં 5.4 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 5.4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.