પુલવામા ટેરર હુમલાના વિરોધમાં આવતીકાલે વેપારીઓનું ‘ભારત બંધ’

મુંબઈ – જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં દેશના 40 જવાનો જેમાં શહીદ થયા એ આતંકવાદી હુમલા સામેનાં વિરોધમાં વેપારીઓ દ્વારા આવતીકાલે ‘ભારત બંધ’નું એલાન કરવામાં આવ્યું છે.

આ એલાન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કરવામાં આવ્યું છે.

બંધની હાકલને કારણે દેશભરમાં તમામ વ્યાપારી બજારો બંધ રહેશે અને વ્યાપાર-ધંધા ઠપ રહેશે.

આવતીકાલના ‘ભારત બંધ’માં મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કશ્મીર સહિત 18 રાજ્યો ભાગ લેવાના છે.

ગુજરાત, કર્ણાટક જેવા કેટલાક રાજ્યો તેમજ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓએ ગઈ કાલે શનિવારે બંધ પાળ્યો હતો.

CAITના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભાટિયાનું કહેવું છે કે બંધ દરમિયાન વેપારીઓ પોતપોતાના રાજ્યોમાં આખો દિવસ ઉપવાસ રાખશે અને શ્રદ્ધાંજલિ તેમજ કેન્ડલલાઈટ કૂચ કાઢશે.

શહીદ જવાનોનાં પરિવારોને નાણાકીય સહાય કરવા પણ CAIT વિચારે છે.

ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવારે બપોરે પુલવામા જિલ્લાના અવંતિપુરામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર એક આત્મઘાતી બોમ્બરે 100 કિલોગ્રામ દારૂગોળો ભરેલી કાર સીઆરપીએફની એક બસ સાથે અથડાવી મારી હતી. એને કારણે બસમાંના 40 જવાન શહીદ થયા હતા અને બીજા ઘણા ઘાયલ થયા હતા. એ બોમ્બર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હતો. હુમલો થયો ત્યારે સીઆરપીએફના 2,500 જવાનો સાથે 78 બસનો કાફલો જમ્મુથી શ્રીનગર તરફ જતો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]