તમારી જેમ મારા દિલમાં પણ આગ ભભૂકી રહી છે, પુલવામાનાં શહીદ સૈનિકોને સલામઃ પીએમ મોદી

પટના – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે હું દેશની પડખે જ છું અને પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં જાન ગયા એના દુઃખ અને આક્રોશમાં દેશવાસીઓની સાથે સહભાગી છું.

બિહારના બેગુસરાઈમાં એક જાહેર સભાને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું પુલવામા આતંકી હુમલામાં જાન ગુમાવનાર બિહારનાં બે જવાન – સંજય કુમાર સિન્હા અને રતન કુમાર ઠાકુરને સલામ કરું છું અને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અહીં ઉપસ્થિત થયેલાં લોકો સમક્ષ હું કહેવા માગું છું કે મારા દિલમાં પણ તમારા સૌની જેમ જ એક આગ ભડકી રહી છે. મોદીના આ વિધાનને હજારો લોકોએ જોરદાર પ્રત્યાઘાત સાથે વધાવી લીધું હતું.

મોદીએ અગાઉ એમ કહ્યું હતું કે હુમલાના સૂત્રધારોને સજા કરવા માટે મેં સશસ્ત્ર દળોને છૂટ્ટો દોર આપી દીધો છે.

બેગુસરાઈમાં, વડા પ્રધાને આજે અનેક કલ્યાણકારી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. આમાં, પટના મેટ્રો રેલનો સમાવેશ થાય છે. વડા પ્રધાને વિડિયો કોન્ફરન્સિંગ મારફત પટના મેટ્રો રેલવે યોજનાનો શુભારંભ કરાવ્યો હતો અને વચન આપ્યું હતું કે બિહાર રાજ્યમાં વિકાસ વધશે અને લોકોનું જીવન રાહતભર્યું થશે.

પટના મેટ્રો રેલ પ્રોજેક્ટ આશરે રૂ. 13,365.77 કરોડનો છે. એમાં કુલ  31.39 કિ.મી.ના બે કોરિડોર બનાવાશે. આ પ્રોજેક્ટ શરૂ થયાની તારીખથી પાંચ વર્ષમાં પૂરો કરવામાં આવશે.

વડા પ્રધાન મોદી બાદમાં પડોશના ઝારખંડ રાજ્યમાં પણ ગયા હતા અને ત્યાં પણ કેટલીક વિકાસયોજનાઓનો આરંભ કરાવ્યો હતો.