ફંડના અભાવે પુરીના કોંગ્રેસ ઉમેદવારનો ચૂંટણી લડવા ઇનકાર

પુરીઃ ઓડિશાની પુરી લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણીપ્રચાર માટે પાર્ટી પાસેથી પર્યાપ્ત ફંડ નહીં મળવાનો હવાલો આપતાં ટિકિટ પરત કરી દીધી છે. તેમણે ચૂંટણી લડવા માટે પબ્લિક ફંન્ડિગનો સહારો લીધો છે અને ચૂંટણી કેમ્પેનમાં કમસે કમ ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં હું આર્થિક રૂપે સંઘર્ષ કરતી રહી અને એક પ્રભાવશાળી ચૂંટણીપ્રચાર ઝુંબેશને આગળ ના વધારી શકી.

મને પાર્ટીએ ફંડ આપવાથી ઇનકાર કરી દીધો હતો. વિધાનસભા ક્ષેત્રોમાં નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને ભાજપ અને BJD પૈસાના પહાડ પર બેઠા છે. આ મારા માટે મુશ્કેલ હતું. દરેક જગ્યાએ નાણાંનું અશ્લીલ પ્રદર્શન થઈ રહ્યું છે. હું એ રીતે ચૂંટણીમાં સ્પર્ધા કરવા નથી ઇચ્છતી. હું એ પીપલ-ઓરિયેન્ટેડ કેમ્પેન ઇચ્છું છું, પણ નાણાંની તંગીને કારણે એ સંભવ નથી. કોંગ્રેસ પણ એ માટે જવાબદાર નથી. ભાજપ સરકારે પાર્ટીને પંગુ બનાવી દીધી છે. ખર્ચ પર ઘણા પ્રકારનો પ્રતિબંધ છે. મને પુરીમાં જનતાનો સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો, તેઓ બદલાવ ઇચ્છતા હતા.

કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે. સી. વેણુગોપાલને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં અમારી પ્રચાર ઝુંબેશ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, કેમ કે પાર્ટીએ મને ફંડ આપવાની ઇનકાર કરી દીધો છે. હું સેલરીડ પ્રોફેશનલ જર્નલિસ્ટ હતી, જે 10 વર્ષ પહેલાં ચૂંટણીના રાજકારણમાં આવી છું. મેં પુરીમાં ચૂંટણી કેમ્પેન માટે ઘણુંબધું કામ કર્યું. મેં પબ્લિક ડોનેશન ચલાવવાના પ્રયાસ પણ કર્યા, પરંતુ અત્યાર સુધી એમાં ખાસ કોઈ સફળતા નથી મળી. મેં ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો.

હું મારી જાતે નાણાં એકત્ર ના કરી શકી, એટલે મેં તમારો અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો દરવાજો ખટખટાવ્યો અને પાર્ટીને ફંડ આપવાનો આગ્રહ કર્યો, એમ તેમણે કહ્યું હતું.