નવી દિલ્હીઃ ટામેટાંની આકાશને આંબતી કિંમતોએ સામાન્ય લોકોના ઘરનું બજેટ બગાડી નાખ્યું છે. હાલ ટામેટાંની કિંમતો રૂ. 150ની આસપાસ છે. જોકે ટામેટાં કિંમતો ઓર વધાવાની આશંકા છે. ટામેટાં સિવાય અન્ય શાકભાજી કોબી, ફ્લાવર, કાકડી જેવી શાકભાજીઓ મોંઘી થવાની શક્યતા છે.
કેટલાંય રાજ્યોમાં ટામેટાં પ્રતિ કિલો રૂ. 200 સુધી વેચાઈ રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં જારી રહેલા ભારે વરસાદને કારણે પાકોની લણણી થઈ શકી નથી અને સપ્લાય ચેઇન પણ ખોરવાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે ટામટાંના ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે.
બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્સના ડિરેક્ટર એસકે સિંહે જણાવ્યું હતું કે ઉત્તરના રાજ્યોમાં ભારે વરસાદે ટામેટાં, ફ્લાવર, કોબી અને સિમલા મરચાં વગેરેનો મોટા ભાગનો પાક નષ્ટ થયો છે અથવા ખરાબ થઈ ગયો છે. વળી, આ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જળ ભરાવો થવાને કારણે વાઇરસ અને મુરઝાઈને ખરાબ થયો છે. આ કારણે આ શાકભાજીના સપ્લાયમાં પ્રતિકૂળ અસર પડશે. એ સાથે આ શાકભાજીઓની કિંમતો પહેલાની તુલનાએ હજી ઉપર જશે. આ સીઝનમાં આ શાકભાજીની મોટા ભાગનો સપ્લાય દિલ્હી સહિત મોટા ભાગનાં દેશોમાં થાય છે.
સામાન્ય જનતા શાકભાજીની કિંમતોમાં વધારાને પગલે દાળો અને કઠોળના વપરાશમાં વધારો કરે એવી શક્યતા છે, જેથી દાળો-કઠોળની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે સહિત સેંકડો રસ્તાઓ બંધ છે. જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે એક સપ્તાહમાં શાકભાજીની કિંમતો બે ગણા થયા અને એના વેચાણમાં 40 ટકા સુધી ઘટાડો થયો છે.