વોશિંગ્ટિનઃ ચાઈનીઝ સોશિયલ મિડિયા વિડિયો એપ ટિકટોકના અમેરિકી બિઝનેસની ખરીદી સામેની મુશ્કેલીઓનો હવે અંત આવી ગયો છે. આ એપની માલિકી ધરાવતી ચાઇનીઝ કંપની ByteDanceએ ટિકટોક માટે અમેરિકાની કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી કંપની ઓરેકલ સાથે ભાગીદારી કરવાનો નિર્ણય કર્યો છે. ટિકટોક માટે માઇક્રોસોફ્ટની બિડ નકારી કાઢવામાં આવી છે. માઈક્રોસોફ્ટની બાદબાકી થતાં રેસમાં ઓરેકલ એકલી રહી ગઈ હતી. ટિકટોકનો અમેરિકામાંનો બિઝનેસ કોઈ અમેરિકન કંપનીને વેચી દેવા, નહીં તો અમેરિકામાંથી ચાલતી પકડવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યો હતો. એમણે એક્ઝિયક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા હતા અને એની ડેડલાઈન નજીક આવી ગઈ છે. અમેરિકામાં પોતાનો બિઝનેસ સમેટી લેવા અથવા કોઈ અમેરિકન કંપનીને તે વેચી દેવા ટિકટોકની પાસે 45 દિવસનો સમય હતો. ટિકટોકે હવે ઓરેકલની સાથે ભાગીદારી કરીને મુશ્કેલીમાંથી માર્ગ શોધી લીધો છે. ટિકટોકે પોતાનો બિઝનેસ વેચ્યો નથી.
ઓરેકલને હિસ્સો મળવા પર આશંકા
એક અહેવાલ મુજબ ByteDance ટિકટોક ચલાવવા માટે ઓરેકલને ટેક્નિકલ ભાગીદાર તરીકે પસંદગી કરી છે. જોકે આ ભાગીદારી હેઠળ ઓરેકલને ટિકટોકનો હિસ્સો મળવા પર હજી આશંકા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વેચાણથી અલગ છે અને ઓરેકલ ટિકટોકના અમેરિકી વેપારના સંચાલન માટે ક્લાઉડ ટેક્નિકને ઉપલબ્ધ કરાવશે.
ByteDanceએ ઓફર સ્વીકારી નથીઃ માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ByteDanceએ અમને જણાવ્યું છે કે એ ટિકટોકનો અમેરિકી બિઝનેસ તે અમને નથી વેચી રહી. જોકે અમારું માનવું છે કે અમારી દરખાસ્ત દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટિકટોકના અમેરિકી યુઝર્સ માટે સારી હતી.
આ બાબતે ByteDanceએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. ઓરેકલના પ્રવક્તાએ પણ આ મામલે હાલ કશું કહેવાનો ઇનકાર કર્યો છે.
જનરલ એટલાન્ટિકને મળશે હિસ્સો
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટિકટોકના અમેરિકી યુઝર્સના ડેટા મેનેજમેન્ટ પણ ઓરેકલની પાસે રહેશે. આ સિવાય અમેરિકી રોકાણકાર કંપની જનરલ એટલાન્ટિક અને સિક્યોઆને ટિકટોકમાં મોટો હિસ્સો મળશે. જનરલ એટલાન્ટિક અને સિક્યોઆ ByteDanceના મોટા રોકાણકારોમાં સામેલ છે.
ટ્રમ્પ સરકાર પાસે મંજૂરી લેવી પડશે
અહેવાલ મુજબ આ સોદાને અંતિમ રૂપ આપતાં પહેલાં ટ્રમ્પ સરકારની મંજૂરી લેવી પડશે. કમિટી ઓન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન યુનાઇટેડ સ્ટેટસ (CFIUS) સંભવિત રાષ્ટ્રીય સુરક્ષાના જોખમને આ સોદાની તપાસ કરશે. જો ટ્રમ્પ સરકાર આ સોદાની મંજૂરી નહીં આપે તો ByteDanceને ફરીથી નવા ભાગીદારની શોધ કરવી પડશે.
ByteDanceએ પણ ખંડન કર્યું
ચીનની સરકારી ટીવી ચેનલ ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કના એક અહેવાલ મુજબ ByteDanceએ અમેરિકી મિડિયાના અહેવાલોનું ખંડન કર્યું હતું. ByteDanceએ કહ્યું હતું કે એ ટિકટોકનો અમેરિકી બિઝનેસ ન તો ઓરેકલને વેચશે ન તો કોઈ અમેરિકી ખરીદદારને એનો સોર્સ કોડ આપશે.
જોકે આ સંબંધે ByteDance તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું.