ભારતમાં રજિસ્ટર્ડ થયેલા 34 કરોડમાંથી માત્ર 0.8 ટકા વાહનો જ ઈલેક્ટ્રિક છે

મુંબઈઃ કેન્દ્ર સરકાર 2015ની સાલથી ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ કરવાની હાકલ કરી રહી છે તે છતાં આજની તારીખમાં દેશમાં રજિસ્ટર્ડ થયેલા કુલ વાહનોમાં ઈલેક્ટ્રિક આવૃત્તિના વાહનોની સંખ્યા માત્ર 0.8 ટકા જ છે.

સત્તાવાર આંકડા અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ઈ-વાહન પોર્ટલ પર 14 જુલાઈ, 2023 સુધીમાં રજિસ્ટર થયેલા 34 કરોડ વાહનોમાંથી માત્ર 27 લાખ વાહનો જ ઈલેક્ટ્રિક છે.

ટકાવારીની દ્રષ્ટિએ આ આંકડો માત્ર 0.8 ટકા થાય છે. ઈલેક્ટ્રિક વાહનોની નોંધણીમાં દિલ્હી દેશના તમામ રાજ્યોમાં મોખરે છે. અહીં નોંધાયેલા કુલ 84,57,200 વાહનોમાંથી 2,29,305 અથવા 2.71 ટકા વાહનો ઈલેક્ટ્રિક સંચાલિત છે. તે પછીના નંબરે આસામ  અને ત્રિપુરા આવે છે.