મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) તરફથી 22 ફેબ્રુઆરી, 2023ના રોજ એનએસઇના એક અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઇ) શરૂ કરવાની અંતિમ મંજૂરી મળી ગઈ છે.
સોશિયલ સ્ટોક એક્સચેન્જ સામાજિક પ્રવૃતિઓ માટે ધિરાણ મેળવવા સામાજિક ઉદ્યોગસાહસિકોને નવો વિકલ્પ પ્રદાન કરશે તેમ જ વિઝિબિલિટી આપશે તથા ફંડ ઊભું કરવાની તક સાથે અને ફંડના વપરાશમાં પારદર્શકતા લાવશે. મુખ્યત્વે સામાજિક આશય તરીકે સ્થાપિત કોઈ પણ સામાજિક ઉદ્યોગસાહસ, સેવાભાવી સંસ્થા-નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન (એનપીઓ) કે સેવાભાવી સામાજિક ઉદ્યોગસાહસો ફોર પ્રોફીટ સોશ્યલ એન્ટરપ્રાઈસિસ (એફપીઇ) સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટર્ડ / લિસ્ટેડ થઈ શકે છે.
આ સંબંધી પાત્ર હોય એવા એનપીઓ માટે બોર્ડ પર આવવાનું પ્રથમ પગલું સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટ્રેશન સાથે શરૂ થાય છે. રજિસ્ટ્રેશન પછી એનપીઓ પબ્લિક ઇશ્યૂ કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ઝેડસીઝેડપી) જેવા માધ્યમો મારફત ફંડ ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અત્યારનાનિયમનો ઝેડસીઝેડપી ઇશ્યૂઅન્સ માટે રૂ. 1 કરોડ સુધીની લઘુતમ સાઇઝ નિર્ધારિત કરે છે અને સબસ્ક્રિપ્શન માટે અરજી કરવાની લઘુતમ સાઇઝ રૂ. 2 લાખ છે. એફપીઇ માટે સિક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગની પ્રક્રિયા એક્સચેન્જની પ્રક્રિયા અંતર્ગત સિક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગ માટે લાગુ પ્રક્રિયા જેવી હશે.
એનએસઇના મેનેજિંગ ડિરેકટર આશિષકુમાર ચૌહાણના જણાવ્યાનુસાર“હું આ પ્રસંગે એક અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવા એનએસઇને મંજૂરી આપવા બદલ સેબીનો આભાર વ્યકત કરું છું. અમે આ અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે અને અત્યારે સોશિયલ એન્ટરપ્રાઇઝીસને એક્સચેન્જના બોર્ડ પર લેવાના વિવિધ તબક્કાઓ તૈયાર કર્યા છે. દેશભરના સોશિયલ એન્ટરપ્રાઇઝીસને સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટ્રેશન અને લિસ્ટિંગની વ્યવસ્થા અને લાભ સમજવા એનએસઈની ટીમો સાથે સંપર્કમાં રહીને માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.